Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાના 15079 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

Social Share

રાજકોટ: કોરોનાની મહામારીની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સૌરાષ્ટ્રના જુદા જુદા પાંચ જીલ્લાના 81 કેન્દ્રમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દરેક પરીક્ષા કેન્દ્રમાં થર્મલ ગન અને સેનેટાઇઝર ફરજીયાત કરવામાં આવ્યા છે. જનરલ ઓપ્શન સાથે વિદ્યાર્થીઓની સૌપ્રથમ વખત પરીક્ષા લેવામાં આવી રહી હોવાનું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

કોરોના મહામારીને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન જુદી જુદી કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય છેલ્લા 8 મહિનાથી બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની માગણી હતી કે જનરલ ઓપ્શન સાથે પરીક્ષા લેવામાં આવે. વિદ્યાર્થીઓની આ માગ સ્વીકારીને 1 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખીને તારીખ 10 ડિસેમ્બરથી પરીક્ષા લેવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું તે પરીક્ષાનો આજથી આરંભ થયો છે. જેમાં તમામ વિદ્યાર્થીઓની જનરલ ઓપ્શનનો લાભ મળશે.

આપને જણાવી દઇએ કે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે 61 જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમજ દરેક પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ફરજીયાત રાખવામાં આવ્યા છે. આજથી શરૂ થતી પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાતપણે જાળવવું પડશે. તે માટેની તકેદારીની સૂચનાઓ પરીક્ષા વિભાગ દ્વારા આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ બીએ સેમેસ્ટર 2માં 7180 નોંધાયેલા છે. આ ઉપરાંત એમએસડબલ્યુ સહિતની જુદી-જુદી પરીક્ષા પણ લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ 70 માર્કના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે.

(સંકેત)