Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઇને રાજ્ય સરકાર આજે કરી શકે છે નિર્ણય

Social Share

ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે. આ કેબિનેટ બેઠકમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પતંગ મહોત્સવના આયોજનને લઇને સરકાર નિર્ણય લઇ શકે છે.

એક તરફ ઉત્તરાયણ નજીક આવી રહી છે અને દર વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થતુ હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે મહોત્સવના આયોજનને લઇને ખુદ સરકાર પણ દ્વિધામાં છે.

કોરોના મહામારીના કારણે આ વર્ષે વિદેશથી પતંગબાજો આવવાની શક્યતા નહીવત્ છે. સ્થાનિકો માટે પતંગોત્સવના આયોજન અંગે વિચારણા ચાલી રહી છે. તે ઉપરાંત મહોત્સવના ખર્ચને લઇને પણ ચર્ચા થશે.

હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વભરમાં સંક્રમણને કારણે પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

બ્રિટનમાં હાલ નવા કોરોનાના સંક્રમણને લઇને પણ ભારત સહિત અન્ય દેશોએ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્ય છે, ત્યારે કોરોના સંક્રમણને લઇને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદ્દે પણ અનિર્ણાયક સ્થિતિ જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર સ્થાનિકો માટે પતંગોત્સવના આયોજનને લઇને વિચારણા કરશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી મુદ્દે ખર્ચ બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે.

(સંકેત)