Site icon Revoi.in

હું આગામી મુખ્યમંત્રીની રેસમાં નથી, નવા મુખ્યમંત્રી સાથે આગામી ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય સિદ્વ કરીશું: સી.આર.પાટીલ

Social Share

શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. રાજ્યપાલને મળ્યા બાદ સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી હતી.

તેમણે રાજીનામું આપતા કહ્યું હતું કે, મારા જેવા કાર્યકરને જે તક આપવામાં આવી તે માટે હું આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામું સોંપ્યું છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમનું રાજીનામું અનેક અન્ય સંકેતો પણ આપી રહી છે. હવે કોના નેતૃત્વમાં આગામી વિધાનસભા ચૂંટણી લડાશે તેની પણ અટકળો વહેતી થઇ છે.

નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેની જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નામ પણ મુખ્યમંત્રી પદ માટેની રેસમાં હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે સી.આર.પાટીલ દ્વારા આ અંગે એક વીડિયો મારફતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

એક વીડિયો સંદેશ મારફતે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી હતી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ માધ્યમોમાં મારું નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું જણાવી રહ્યા છે. જો કે આ વાતમાં કોઇ તથ્ય નથી. હું સ્પષ્ટતા કરવા માંગીશ કે હું આવી કોઇ રેસમાં નથી. નવા મુખ્યમંત્રી નક્કી કરાશે તેની સાથે મળીને આગામી ચૂંટણીમાં 182 માંથી 182 બેઠકોનું લક્ષ્ય સિદ્વ કરવાનું પૂર્ણ કરીશું. પાર્ટીને વધુ મજબૂતાઇ સાથે આગળ લઇ જવા માટે સંપૂર્ણ તાકાત સાથે કામ કરીશું.

નોંધનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ સીએમ પદેશી વિજય રૂપાણીએ રાજીનામું આપતા રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે.