Site icon Revoi.in

ગુજરાત સરકાર આંશિક લોકડાઉનની સમય મર્યાદા વધારે તે આવશ્યક: IMA

Social Share

અમદાવાદ: ગુજરાતમાં મિનિ લોકડાઉન અને અનેક નિયંત્રણો બાદ સ્થિતિ કાબૂમાં આવી છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મિનિ લોકડાઉન લંબાવવાની હિમાયત કરી છે. IMAએ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં અપીલ કરાઇ છે કે, કોરોનાના પ્રસારને અટકાવવા માટે 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ તેમજ બિન-જરૂરિયાતની વસ્તુઓની દુકાનો બંધ રાખવા સહિત આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવવું જોઇએ.

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાની સ્થિતિને જોતા રાજ્ય સરકારે હવે 36 શહેરોમાં આગામી શુક્રવાર સુધી આંશિક લોકડાઉન લંબાવ્યું છે. વાવાઝોડું નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગે સરકાર નિર્ણય લેશે.

IMA, ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-19ની બીજી લહેરની એન્ટ્રી બાદ કેટલાક દિવસથી કોવિડના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને લોકો પણ બિનજરૂરી રીતે બહાર નીકળતા અટક્યા છે. આ જ કારણોસર લોકડાઉન લંબાવાય તે અનિવાર્ય છે.

IMAએ ચેતવણી આપી હતી કે, રાજ્યના 36 શહેરોમાં આંશિક લોકડાઉન હટાવાશે તો તે સરકારની એક ભૂલ ગણાશે. જેના કારણે ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળે તેવી સંભાવના છે.

Exit mobile version