Site icon Revoi.in

ગુજરાતમાં ત્રણ દિવસીય સંઘની સમન્વય બેઠક યોજાશે, સંઘના વડા મોહન ભાગવત, જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 5 જાન્યુઆરીથી સંઘની સમન્વય બેઠક યોજાશે. આ બેઠકમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્યપણે આ સમન્વય બેઠક વાર્ષિક સ્તરે 2 વાર યોજાતી હોય છે. જેમાં સામાજીક તેમજ સાંપ્રત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનું 3 દિવસીય બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર નિર્માણ, વનવાસી વિસ્તારની સમસ્યાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. તે ઉપરાંત બેઠકમાં તમામ સંગઠનો પોતાના દ્વારા કરાયેલી કામગીરી અંગે સમીક્ષા કરશે અને આગામી સમયના કામના આયોજન અંગે પણ ચર્ચા કરશે.

આ સમન્વય બેઠકના બે દિવસ પૂર્વે જ સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમના આગમનની સાથે જ અમદાવાદ સ્થિત હેડગેવાર ભવન ખાતે સંઘની ભગિની સંસ્થાઓના અખિલ ભારતીય હોદ્દેદારો સાથે મોહન ભાગવતે વન ટુ વન બેઠકોનો દોર ચાલુ કર્યો છે. તો આજે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ પણ એક દિવસ પૂર્વે અમદાવાદ આવી રહ્યા છે.

આ લોકોના ભવ્ય સ્વાગતની તૈયારી પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. 4 જાન્યુઆરીએ બપોર બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપની પ્રદેશ બેઠક યોજાશે.

(સંકેત)