Site icon Revoi.in

કોરોનાથી સાજા થયા બાદ પણ ચેતજો, થાય છે મ્યુકોરમાઇકોસિસ નામની નવી બીમારી

Social Share

અમદાવાદ: જો તમને કોરોના થયો હોય અને બાદમાં તમે કોરોનાથી મુક્ત થઇને ખુશી મનાવતા હોય તો ચેતી જજો. એન્ટી બોડી જનરેટ થઇ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવો પડકાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધી આ બિમારીના 44 દર્દીઓ સામે આવ્યા છે. આ બીમારીથી સિવિલમાં અંદાજે 9 દર્દીઓના મોત થયા છે.

આ બીમારી વિશે જાણકારી આપતા ENT વિભાગના હેડ ડૉ.ઇલા ઉપાધ્યાયે કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇસિસ બીમારીથી પીડાઇ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ સપ્તાહ બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઇલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. મ્યુકોરમાઇસિસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપી પ્રસરે છે.

મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો 

ખાલી શરદી થયા બાદ આ પ્રકારના સમસ્યા આવતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે કે 19 દર્દીઓને આંખમાં દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. વિદેશમાં આ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો છે જ્યારે હાલ સિવિલમાં આ દર 20 ટકા જેટલો છે.

આ બીમારીની સારવાર વિશે ડો.ઈલા ઉપાધ્યાયે જણાવ્યું કે, સિવિલ કેમ્પસના ENT વિભાગમાં આ બીમારી સામે દર્દીને સારવાર આપવાની તમામ સુવિધા છે, દર્દી OPD માં આવે ત્યારથી જ આંખ, કાન અને ગાળાની સંપૂર્ણ તપાસ કરીએ છીએ. નાકમાં ફંગસ થયું હોય તેવું જોવા મળતા જ મ્યુકોરમાઇકોસીસ બીમારીનો ખ્યાલ આવી જાય છે. દર્દીની એન્ડોસ્કોપી કરી, સવોબ લઈ કયું ફંગસ છે તે મુજબ અલગ અલગ દવાઓની સારવાર શરૂ કરીએ છીએ. જરૂરી તમામ પરિક્ષણ સિવિલમાં આવેલી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબમાં જ કરાવીએ છીએ. અલગ અલગ ફંગસની અલગ અલગ દવાઓ કરવી પડે છે, ઓપરેશન અને ઇન્જેક્શનની મદદથી સારવાર કરીએ છીએ.

(સંકેત)