Site icon Revoi.in

માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડના દંડની વસૂલાત: હાઇકોર્ટમાં સરકારનો રિપોર્ટ

Social Share

અમદાવાદ: આજે હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજીના મામલે સુનાવણી કરવામાં આવી હતી. તેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા હતા.

આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે નિયમોના પાલન મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કોરોના મામલે થયેલી અરજીમાં સરકાર તરફથી જવાબ રજૂ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સોગંધનામું રજૂ કર્યું હતું. જયંતિ રવિના સોંગદનામામાં મોટો ખુલાસો થયો હતો.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લગતી તમામ માહિતી મર્યાદિત છે. એક વર્ષ જૂનો વાયરસ હોવાથી સીમિત માહિતી છે. હાલ તો સાવચેતીમાં જ સલામતીના સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. જેમાં નિયમો અંગે લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

વર્ષ દરમિયાન માસ્ક ના પહેરાનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તકેદારી ના રાખનારા લોકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. માસ્ક ના પહેરનારા લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો છે. 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા ડોક્ટરને સેવાના હુકમ કરાયા છે અને 900 એમબીબીએસ ડોક્ટરોને ગ્રામીણ વિસ્તારમાં સેવા કરવા હુકમ કરવામાં આવ્યો છે. એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણથા વિદ્યાર્થીઓને કામગીરી સોંપાઇ છે.

તે ઉપરાંત 6597 વિદ્યાર્થીઓને સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપાઇ છે. રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે. અત્યાર સુધીમાં 2,37,247 કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 64 દર્દીઓ હાલની સ્થિતિ પ્રમાણે વેન્ટિલેટર પર છે. 2,21,602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યારસુધીમાં 4248 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર નોંધાયો છે.

(સંકેત)