Site icon Revoi.in

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના આ ઝોનમાં પ્રદૂષણ વધ્યું, લોકોને થઇ રહ્યા છે ચામડીના રોગ

Social Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં નદીની આ તરફના ત્રણ ઝોન એટલે કે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ ત્રણ ઝોનના વિવિધ વિસ્તારોમાં રહેલાં લાખો લોકો અને તેમના પરિવારજોની સ્થિતિ આ વિસ્તારોમાં આવેલી અસંખ્ય ફેકટરીઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા હવામાં છોડવામાં આવતાં ઝેરી ગેસ અને કેમિકલને ટ્રીટ કર્યા વગર છોડવામાં આવી રહેલાં કેમિકલયુક્ત પાણીના કારણે લોકોને હવાની સાથે પાણી પણ ચોખ્ખુ મળી શકતું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર,  ત્રણ ઝોનના રહેવાસીઓ ચામડી ઉપરાંત શ્વાસને લગતી બીમારી ઉપરાંત ફેફસાંને લગતા રોગના ભોગ બની રહ્યા છે. આમ છતાં ના તો ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા અથવા ના તો અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ કે હેલ્થ વિભાગ તરફથી કડકાઇપૂર્વક આવુ પ્રદૂષણ ઓકતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

ત્યાં સુધી કે આ ત્રણ ઝોનના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચ વર્ષ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાઈને જતાં કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ બોર્ડના બેદરકાર તંત્રની સાથે ફાયર વિભાગની કામગીરી સામે પણ સ્થાનિક રહીશો શંકાની નજરે જોઈ રહ્યા છે.કેટલાક આક્ષેપો પણ થયા છે કે,બહેરામપુરા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં ધમધમતા પ્રોસેસ હાઉસોને  દિવાળી અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ અને ફાયર વિભાગે સંયુકત કામગીરી કરીને સીલ કર્યા હતા એ ફરી શરુ થવા પાછળ કરવામાં આવેલાં પત્રંપુષ્પમ જેવો વહીવટ જવાબદાર છે.

આ વાત સમજવા વર્ષ-૨૦૦૧ની પરિસ્થિતિ સમજવી પડશે.વર્ષ-૨૦૦૧માં અમદાવાદ શહેર એ દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.અમદાવાદને દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર એ સમયે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ.બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂરેલાલ કમિટીની રચના કરવામાં આવી હતી.આ કમિટીએ એ સમયે અમદાવાદ પહોંચી અમદાવાદમાં એ સમયે દોડતી ડીઝલ આધારીત મ્યુનિસિપલ બસો અને કેરોસીન ઉપર દોડતી ઓટોરીક્ષાઓને બદલે સી.એન.જી.આધારીત પરીવહન સેવા પ્રદૂષણ ઘટાડવા શરુ કરાવી હતી.

પૂર્વ અમદાવાદમાં પીરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૧૯૮૬થી ચાલતી ડમ્પીંગ સાઈટ તેમાં રોજ નાંખવામાં આવતા ૪ હજાર મેટ્રીકટન ઘન કચરાના કારણે ગિરનાર પર્વતની ઉંચાઈની હરીફાઈ કરી રહ્યો હોય એવો વિશાળ ડુંગર બની ગઈ છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ડિસેમ્બર-૨૦૨૨ સુધીની ડેડલાઈન સુધીમાં આ ડમ્પસાઈટને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા આદેશ કર્યો છે.પરંતુ જે પ્રમાણે ઘન કચરાનું ડમ્પીંગ થઈ રહ્યુ છે તે જોતા આ સમયમર્યાદામાં કામગીરી પુરી થાય એમ લાગતું નથી.

(સંકેત)