Site icon Revoi.in

રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, આગામી દિવસોમાં હિટવેવની આગાહી

Social Share

અમદાવાદ: રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 22 ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે સામાન્ય ઢંડક વર્તાય છે જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેતું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હોળી સમયે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ ભાગો તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં હીટવેવની ભીતિ છે, જેના કારણે તાપમાનમાં વધારો થશે. જ્યારે આગામી 28 માર્ચ બાદ અમદાવાદમાં યલો અલર્ટની સંભાવના છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે.

હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ ગરમી વધશે. સૂર્યના પ્રકોપથી મહત્તમ તાપમાન આગામી 4 દિવસમાં 3થી4 ડિગ્રી વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવ રહેશે. જેમાં 27 માર્ચથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવ રહેશે. 27 અને 28 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં પણ ગરમ પવન ફૂંકાશે.

રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે અન હીટવેવની આગાહીના કારણે દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન વધશે. જેને કારણે આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

ઉનાળામાં દરિયાકાંઠાનું તાપમાન સામાન્ય રહેતું હોય છે એટલે કે 37 ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ માર્ચ મહિનામાં દરિયા કિનારાનું તાપમાન 37 ડિગ્રી ઉપર નોંધાયું છે. ઉનાળાની શરૂઆતથી દરિયા કિનારા વિસ્તારમાં બીજી વખત હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

(સંકેત)