Site icon Revoi.in

ગુજરાતના આ ગામમાં વેક્સિન લેનાર માટે અનોખી પહેલ, મળે છે આ લાભ

Social Share

કાલોલ: રાજ્યમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, જેને લઇને અનેક શહેરો તેમજ જીલ્લાઓમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ છે. આ વચ્ચે પંચમહાલનાનો લોકોમાં કોરોના મહામારીથી બચવા માટે સ્વયંશિસ્તનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીંયા લોકો સતર્કતા અને સ્વયંશિસ્ત પાળીને સામાજીક અંતર જાળવી રહ્યા છે.

કાલોલમાં આવેલા શામળાદેવી ગામના લોકોએ ગ્રામ પંચાયત સાથે મળીને સ્થાનિક આગેવાનો અને પોલીસની બેઠક યોજીને પોતાના ગામને સુરક્ષિત બનાવવાનો નિર્ણય કર્યો છે. ગામમાં યોજાયેલી આ બેઠકમાં લોકડાઉન અને રસીકરણને લઇને ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ 12 મેથી 18 મે સુધી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરી છે.

તે ઉપરાંત કોરોનાથી સુરક્ષિત રહેવા માટે વેક્સિન આવશ્યક છે ત્યારે અહીંયા વેક્સિનના બંને ડોઝ લેનાર લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અહીંયા જે ગ્રામજનો વેક્સિનના બંને ડોઝ લશે તેને વર્ષ 2020-21ના તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. ગામમાં જો કોઇ નાગરિક લોકડાઉનનો ભંગ કરે તો 1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરાશે. આ નિયમોથી હવે લોકો પણ ખુદને સુરક્ષિત અનુભવી રહ્યા છે અને સ્વયંશિસ્ત સાથે દરેક માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે.

(સંકેત)