Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ, 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે થશે મતદાન

Social Share

નવી દિલ્હી: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. આજે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને અને 53 હજાર સભ્યો માટે મતદાન છે. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે 119998 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચ અનુસાર મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. તમામ જીલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને કોવિડને ધ્યાનમાં રાખીને કોરોના ગાઇડલાઇન સાથે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્તરની ચૂંટણીને ખાસ કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષ પોતાના ચિહ્નનો ઉપયોગ કર્યા વગર પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા માટે તમામ પ્રયાસો કરે છે. આ ચૂંટણીમાં પ્રથમવાર મતદારોને આકર્ષિત કરવા માટે ઉમેદવારોએ ગ્રામજનોને ગિફ્ટની વહેંચણી કરી છે. જેને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સ્પર્ધા જેવો માહોલ જામ્યો છે.

અત્રે જણાવવાનું કે, ગત મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાત સંપૂર્ણ બિનહરિફ થઇ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ ઉપરાંત 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ હતી, એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા.