- ડૉ. પ્રણવ જોશીપુરાએ પ્રાયોગિક કવાયત દ્વારા અનુવાદના વિવિધ પાસાની સમજ આપી
- કુલપતિ હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળાનું આયોજન
[અલકેશ પટેલ] અમદાવાદ, 16 માર્ચ, 2026 – workshop on translation સ્રોત ભાષાની કૃતિને સ્થળ, સમય, કાળ પ્રમાણે અન્ય ભાષામાં લઈ જવાની પ્રક્રિયા એટલે અનુવાદ. અનુવાદ એ સેતુ છે. એ બધું ખરું છતાં અનુવાદકે નતમસ્તક રહેવું જોઈએ અર્થાત અનુવાદકે વિનમ્ર રહેવું જોઈએ કેમ કે તે જે અનુવાદ કરે છે તે અન્યનું સર્જન છે. અનુવાદક તો માત્ર તેને અન્ય ભાષામાં ઉતારે છે, તેમ સુપ્રસિદ્ધ વિદુષી અને અનુવાદક અરુણાબા જાડેજાએ આજે અહીં જણાવ્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગમાં આયોજિત બે દિવસની કાર્યશાળાના પ્રથમ દિવસે આજે અરુણાબા તથા ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નથીબા કોમર્સ કૉલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ. પ્રણવ જોશીપુરાએ વિદ્યાર્થીઓ તથા અનુવાદમાં રસ ધરાવતા અન્ય સહભાગીઓને અનુવાદના મહત્ત્વ વિશે, અનુવાદ કેવી રીતે કરવી શકાય, કોણ કરી શકે તેના વિવિધ પાસાની ખૂબ જ વિસ્તારપૂર્વક સમજ આપી હતી.
અરુણાબા જાડેજાએ સામાન્ય રીતે સાહિત્યના અંતિમ પ્રકારમાં સમાવેશ પામતા અનુવાદ વિશે આવી કાર્યશાળાનું આયોજન કરવા બદલ વિદ્યાપીઠનો, કુલપતિ હર્ષદભાઈ પટેલનો તેમજ વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ ગૂજરાત વિદ્યાપીઠમાં અનુવાદની બે દિવસની કાર્યશાળાનું આયોજન
પોતાને માસ્તર – ગૃહિણી તરીકે ઓળખાવવાનુ ગમે તેમ જણાવી અરુણાબાએ પોતે સુવિખ્યાત મરાઠી લેખક પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (પુ.લ.દેશપાંડે)નાં લખાણનો પોતે અનુવાદ કરવા પ્રેરાયા અને એ દરમિયાન એ અનુવાદની તેમને પરવાનગી કેવી રીતે મળી તેનું વર્ણન કરવા સાથે પુ.લ. દેશપાંડેએ અનુવાદ વિશે કરેલી વ્યાખ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પુ.લ. દેશપાંડે કહેતા કે, અનુવાદ એટલે પ્રિયતમાના ગાલ ઉપર હાથ ફેરવવો… પણ હાથમાં મોજાં પહેરીને.
પોતાના વક્તવ્ય દરમિયાન અનુવાદ પ્રક્રિયાના અસંખ્ય ઉદાહરણ આપીને તેમણે સામાન્ય રીતે નિરસ ગણાતા આ વિષયને અત્યંત રસપ્રદ બનાવ્યો હતો. જેને પગલે કાર્યશાળામાં હાજર વિદ્યાર્થીઓએ પણ વક્તવ્ય બાદ યોજાયેલી એક્સરસાઈઝમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વર્કશોપના પ્રારંભે યોજાયેલા ઉદ્દઘાટન સત્રમાં વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલે અનુવાદ પ્રક્રિયા અને અનુવાદકની સ્થિતિ વિશેની અરુણાબાદની મીઠી ટકોરને ખૂબ હકારાત્મક રીતે રજૂ કરતા જણાવ્યું કે, અનુવાદનું કામ પાછળની શ્રેણીમાં ગણાય છે, પણ તેને જો પાછળથી જ ગણવાનું શરૂ કરીએ તો તે અગ્ર પંક્તિમાં આવે. તેમણે ઉમેર્યું કે, એકબીજાને સાથે જોડવાનું સૌથી મહત્ત્વનું કામ એટલે અનુવાદ. શબ્દને, કોઈ કૃતિને એમ્પ્લિફાય કરવાનું કામ એટલે અનુવાદ.
આ પણ વાંચોઃ ગુજરાતી સાહિત્યના અંગ્રેજી અનુવાદ થાય એ સમયની માંગ: ડૉ. દર્શનાબેન ભટ્ટ
વિદ્યાપીઠના કુલપતિએ એક મહત્ત્વની વાત એ પણ કરી કે, આ કાર્યશાળા પૂર્ણ થાય પછી તેની સફળતાનું અવલોકન થાય એ પણ જરૂરી છે.
બીજા સત્રમાં સુવિખ્યાત અનુવાદક, નાટ્યલેખક અને પ્રાધ્યાપક ડૉ. પ્રણવ જોશીપુરાએ વિવિધ એક્સરસાઈઝ દ્વારા વિદ્યાર્થીઓને-સહભાગીઓને અનુવાદ પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો અને એ દ્વારા અનુવાદ પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આજના પ્રારંભિક સત્રમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલકુમાર પરમાર, વિદ્યાપીઠના ભાષા અને સાહિત્ય વિભાગના ડીન પ્રો. સંજયભાઈ મકવાણા, અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડૉ. અમરેન્દ્ર પાંડે તેમજ પ્રાધ્યાપક ડૉ. દિવ્યેશભાઈ ભટ્ટે પણ આ વિષય ઉપર તેમના વિચારો રજૂ કર્યા હતા.

