Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોય રાઈડના હેલિકોપ્ટરના સતત ઘોંઘાટથી રહિશો પરેશાન

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમજ કોન્ટ્રાક્ટ પર સી-પ્લેન ચલાવવામાં કોઈ કંપનીઓને રસ ન હોવાથી આખરે સી-પ્લેન સેવાનું બાળ મરણ થયું હતું. હવે સી-પ્લેનની લેન્ડિંગની જગ્યા પર હેલિકોપ્ટરની જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અને આ સેવાને શહેરીજનો દ્વારા સારોએવો રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ આ સર્વિસ વિઘ્નમાં મુકાઈ શકે છે. કેમ કે આ સર્વિસ દરમિયાન હેલિકોપ્ટરના ઘોંઘાટથી થતાં ધ્વનિ પ્રદૂષણથી રિવરફ્રન્ટની આજુબાજુની સોસાયટીના રહીશો બપોરે ઊંઘી શકતા ન હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આમ આસપાસ રહેતા સ્થાનિક રહીશોએ આ સર્વિસ બંધ કરવાની ફરિયાદ પોલીસ કમિશનર સુધી કરી છે જો કે આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર હસ્તક ચાલતો હોવાથી પોલીસ કમિશનરે આ અરજી ગુજરાત સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટને ફોરવર્ડ કરી હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી વિસ્તારના રહિશો હેલિકોપ્ટરના ઘોંઘાટથી પરેશાન બન્યા છે.  જોય રાઈડ નોન રહેણાકવાળા વિસ્તારમાંથી ઓપરેટ કરવાની પણ માગ કરી રહ્યા છે સ્થાનિકો રહિશોએ એવી રજુઆત કરી છે. કે હેલિકોપ્ટર કરતા સી પ્લેનનો અવાજ ઓછો છે જેનો ટેકઑફ-લેન્ડિંગનો રૂટ પણ અલગ હોવાથી ડીસ્ટર્બન્સ પ્રમાણમાં ઓછું થતું હતું. જ્યારે જોય રાઈડ નીચી અને રહેઠાણવાળા વિસ્તાર વચ્ચેથી પસાર થતી હોવાથી નોકરી કે બિઝનેસમેન બપોરે આરામ કરી શકતા નથી.  અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ગુજસેલના ડિરેકટર કેપ્ટન અજય ચૌહાણને પણ સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓએ રજુઆત કરી છે. એવિએશન સાથે સંકળાયેલા એક્સપર્ટનું કહેવું છે કે, એરપોર્ટ એક રિઝર્વ જગ્યામાં બનેલું  છે અને વિમાન કરતા હેલિકોપ્ટર નીચું ઉડતું હોવાથી અવાજ વધુ થાય છે. જોય રાઈડ સિટીથી દૂર હોવું જોઈએ જેથી ટેકઑફ દરમિયાન સીધું હાઈટ પર ઉડાન કરે તો આસપાસના સ્થાનિકો હેરાન પરેશાન થાય નહિ.