Site icon Revoi.in

રાજ્યમાં 7 જેટલાં બોર્ડ-નિગમોના ચેરમેન-વાઈસ ચેરમેનના રાજીનામાં લેવાયા, હવે નવી નિમણૂંકો કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરવા લાગી છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પેઈજ પ્રમુખોની બેઠકને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. હવે કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે બોર્ડ-નિગમોમાં પણ નિમણૂંકો કરવામાં આવશે. જેમાં આજે સાત જેટલાં બોર્ડ-નિગમોના ચેરમેનોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા ભાજપે હવે બોર્ડ નિગમમાં પણ નો-રિપીટ થિયરીનો અમલ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના ઘણા નેતાઓ બોર્ડ નિગમમાં હોદ્દો લઈને નિષ્ક્રિય બની ગયા હતા. કહેવાય છે કે, કેટલાક કાર્યકર્તાઓની પણ આવા નેતાઓ સામે ફરિયાદો હતી, બીજીબાજુ જે બોર્ડ નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોય તેમના રાજીનામાં માગવામાં આવ્યા છે. અને  સોમવાર સુધી તમામ ચેરમેન અને વાઇસ ચેરમેન રાજીનામાં આપશે.

કમલમના સૂત્રોના જણાવ્યા મુજબ 14 બોર્ડ નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના રાજીનામા માંગવામાં આવ્યાં છે. જેમાંથી આજે 4થી વધુ પદાધિકારીઓએ બોર્ડ નિગમમાંથી રાજીનામાં આપી દીધા છે. જેમાં ધનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન આંકોલિયા અને બી.એચ.ઘોડાસરાએ  મુખ્યમંત્રીને રાજીનામું સોંપી દીધું છે. તેમજ બળવંતસિંહ રાજપૂત, આઇ.કે.જાડેજા, મધુ શ્રીવાસ્તવ, હંસરાજ ગજેરા, સજ્જાદ હીરા અને મુડુ મેર પણ રાજીનામું આપશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાં રાજીનામા મોકલી આપ્યા છે. જોકે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ હવે આ 7 બોર્ડ-નિગમના રાજીનામા બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું. આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે. તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટીને ધ્યાનમાં રખાશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે. હાલ સૂત્રો કહી રહ્યા છે કે 7 બોર્ડ-નિગમમાં રાજીનામા લેવાયા પણ આ આંકડો હજુ પણ વધી શકે છે.