Site icon Revoi.in

સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,

Social Share

સુરતઃ  શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે.

સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સિઝનનો 883 મિલી મીટર વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. જેના કારણે ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત હાલતમાં હતા. જેથી તમામ રસ્તાઓનો સર્વે કરીને  રિપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હોટ મિક્સ પ્લાન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેથી ત્રણેક દિવસમાં તમામ રસ્તાઓ રીપેર કરી દેવામાં આવશે. મ્યુનિ.ને ખરાબ રસ્તાઓ માટેની ઓનલાઈન ફરિયાદો પણ લોકો દ્વારા કરવામાં આવી હતી. મેયર ડેશબોર્ડ વોટ્સએપ નંબર અને પાલિકાની એપ્લિકેશન મારફતે લોકોએ ખરાબ રસ્તાની ફરિયાદ કરી હતી. તેના પર તાત્કાલિક અમલથી ખરાબ રસ્તાઓ રિપેર કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં કુલ અત્યાર સુધીનો 883 મિમિનો વરસાદ પડી ચૂક્યો છે શહેરમાં સિઝનનો કુલ વરસાદ 1450 મિમિ નોંધતો હોય છે, એટલે અડધાથી વધુ વરસાદ પડી ગયો છે. શહેરમાં 2817 કિમી જેટલા રસ્તાઓ છે, આ પૈકી 7 કિમીના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. આ તમામ રસ્તાઓને સમારકામ શરૂ કરી દેવાયા છે. તમામ અન્ય પ્લાન્ટને પણ ચાલુ કરી દેવાયા છે. 72 જંકશન એવા છે, જ્યાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયાં છે, તેનું સમારકામ ચાલુ કરી દેવાયું છે, ત્રણ દિવસની અંદર આ તમામ રસ્તાઓને રિપેર કરી દેવાશે જેમાં 1064 મેટ્રિક ટન મટીરીયલ વાપરીને કામગીરી કરાશે. શહેરના મુખ્ય માર્ગોને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રીપેર કરાશે. જ્યારે નોન DLP રોડમાં મ્યુનિ. ખર્ચો કરશે, ખાસ કરીને જ્યાં મોટા સર્કલ આવ્યા છે તેની આસપાસ સીસી રોડ બનાવવાની કામગીરી કરાશે