Site icon Revoi.in

કોંગ્રેસ છોડનાર રોહન ગુપ્તા BJPમાં જોડાયા, પિતાની બીમારીના કારણોસર ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર

Social Share

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે, પિતાની બીમારીનું કારણ દર્શાવીને કોંગ્રેસને રામ રામ કહેનાર સિનિયર નેતા રોહન ગુપ્તા ભાજપમાં સામેલ થયાં છે. ગત મહિને 22મી માર્ચના રોજ રોહન ગુપ્તાએ પાર્ટીના સંચાર વિભાગ સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા ઉપર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યાં હતા. જો કે, પિતાની બીમારીના કારણોસર ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હતી. જે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપમાં સામેલ થયા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેટલો વિરોધાભાષ છે, એક સંચાર પ્રભારી છે જેમના નામમાં રામ છે, પરંતુ તેમણે સનાતનના અપમાન થવા છતા ચૂપ રહેવા કહ્યું હતું. દેશના નામ ઉપર ગઠબંધન બનાવ્યું છે પરંતુ તેમાં દેશ વિરોધીઓને સામેલ કર્યાં છે. એવી શું મજબુરી છે કે, કેજરિવાલ પર ખાલિસ્તાનના સમર્થનનો આરોપ હોવા છતા કેજરિવાલને સમર્થન કરી રહ્યાં છે.  

રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, હું નવરાત્રિમાં ભાજપામાં સામેલ થવાનું ગૌરવ અનુભવી રહ્યો છું. હું કોઈ પણ આશા વગર દેશને આગળ વધારવા માટે પોતાનું યોગદાન આપવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસમાં છુ જ્યારે પિતા 40 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યાં છે. કોઈ આશા વિના અમારા પરિવારે કોંગ્રેસ માટે કામ કર્યું છે. પરંતુ અમારુ અપમાન કરવામાં આવતું હતું અને સ્વાભિમાનને હાની પહોંચાડતા હતા. જે માટે મે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો.