Site icon Revoi.in

કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે રૂપાલના વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરાશે

Social Share

ગાંધીનગરઃ કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ તમામ પ્રકારની સુવિધાઓ  મંદિરમાં ઉભી કરાશે. પ્રવાસન મંત્રાલયની પ્રસાદમ યોજનામાં વિકાસ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન સ્થળ તરીકે સોમનાથ મંદિર, અંબાજી મંદિરનો કેન્દ્રના પ્રવાસન મંત્રાલય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો અને પાવાગઢના મહાકાળી માતાજી મંદિરનો પણ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કરવામાં આવશે. મંદિરનો વિકાસ કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના પ્રસાદ યોજના અંતર્ગત કરવામાં આવશે. જેના માટે રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.  કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે રૂપાલ ગામને દત્તક લીધું હોવાથી ગામમાં વિકાસના કામોને વેગ મળશે. અને પ્રસાદમ યોજના અંતર્ગત વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરવા જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય તેમજ ગામના સરપંચને જાણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિરની જેમ જ રૂપાલના વરદાયની માતાજી મંદિર અને પાવગઢના મહાકાળી માતાજી મંદિરનો વિકાસ કરવામાં આવશે. તેમાં દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓને રહેવા-જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. ઉપરાંત ભક્તો માતાજીના દર્શન સારી રીતે થઇ શકે તેની પણ સુવિધા ઊભી કરાશે.

રૂપાલ ગામનુ વરદાયની માતાજીનું મંદિર પુરાતની છે. પાંડવકાળમાં વનવાસ દરમિયાન પાંડવો રૂપાલ ગામે આવ્યા હતા. તેમણે રૂપાલ ગામના વડેચી (હાલમાં વરદાયની) માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ હવન કર્યું હતું. ઉપરાંત પોતાના શસ્ત્રો વરદાયની માતાજીના મંદિરની પાસે આવેલા વરખડીના વૃક્ષ ઉપર શસ્ત્રોને સંતાડ્યા હતા. વરદાયની માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રીના નવમાં દિવસે માતાજીની પલ્લી નિકાળી હતી. માતાજીની પલ્લી ઉપર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો હતો. તે પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામમાં હાલમાં પણ માતાજીની પલ્લી નિકાળવામાં આવે છે.