Site icon Revoi.in

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

Social Share

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા ના હોવાથી 2 હજાર વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે.

એમ એસ. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં બહારગામથીથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. બહારગામના તમામ વિદ્યાર્થીઓ યુનિની હોસ્ટેલમાં પ્રવેશ માટે પ્રયાસો કરતા હોય છે. યુનિ.ની કુલ 16 હોસ્ટેલો આવેલી છે. જેમાં 12 બોયઝ હોસ્ટેલ અને 4 ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની કુલ કેપેસીટી 5 હજાર વિદ્યાર્થીઓની છે. હોસ્ટેલમાં અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બીજા-ત્રીજા વર્ષના અને પીજીના વિદ્યાર્થીઓના રીન્યુઅલની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. 3900 જેટલા વિદ્યાર્થીઓના રીન્યુઅલ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં 1100 વિદ્યાર્થીઓની કેપેસીટી છે. જેમાં બોયઝ હોસ્ટેલમાં 600 વિદ્યાર્થીઓ અને ગર્લ્સ હોસ્ટેલમાં 500 વિદ્યાર્થીઓની કેપેસીટી છે. એફવાયના કુલ 1100 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

હોસ્ટેલના રેક્ટરના જણાવ્યા મુજબ ગત વર્ષે એફવાયના 1700થી 2 હજાર જેટલા વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ મળ્યો હતો. કોરોના કાળ દરમિયાન ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાથી જગ્યા ખાલી પડી હતી જેના કારણે એફવાયના વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાયો હતો. યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલની કેપેસીટીની સામે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ચાલુ વર્ષે 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી શકયતાઓ છે. ગુજરાતના અને અન્ય રાજયના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેશ લેતા હોય છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેશ ના મેળવી શકે તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓ પીજીમાં પણ રહેવાનો વારો આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, યુનિ.ની હોસ્ટેલમાં રહેતા એસવાય, ટીવાય અને પીજીના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થી નાપાસ થાય તેમનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ થાય છે તેના સ્થાને પ્રથમ વર્ષમાં વેઇટીંગમાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. દર વર્ષે 250થી 300 જગ્યાઓ ખાલી પડે છે જેમાં એફવાયના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે.