Site icon Revoi.in

એસ જયશંકરે કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત, બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત  

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પ્રવાસે આવેલ કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજની સાથે શનિવારના રોજ મુલાકાત કરી હતી.બંનેએ સ્વાસ્થ્ય, દવા, બાયોટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે વિસ્તૃત વાતચીત કરી હતી.રામિરેજ કોલંબિયાના ઉપરાષ્ટ્રપતિ પણ છે. રામિરેજે શુક્રવારે ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી. રામિરેજ સાથે આરોગ્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં નિષ્ણાતો અને અધિકારીઓનું 48 સભ્યોનું પ્રતિનિધિમંડળ છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,નેતાઓએ સ્વાસ્થ્ય, દવા, બાયોટેકનોલોજી અને અવકાશ જેવા ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરી. બેઠક દરમિયાન પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંત્રણામાં એસ જયશંકરે યુએન સુધારાઓ સંદર્ભે ભારતની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી અને બંને પક્ષો બહુપક્ષીય મંચોમાં સહકારને મજબૂત કરવા સંમત થયા. ભારત અને કોલંબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં સતત વધારો થયો છે.

કોવિડ -19 મહામારીને કારણે વિક્ષેપો હોવા છતાં 2020-21માં 2.27 અબજ ડોલરનો વેપાર થયો. વિદેશ મંત્રાલયે કહ્યું કે,બંને પક્ષો ઉર્જા, માહિતી ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરવા સંમત થયા. મંત્રાલયે કહ્યું કે,બંને નેતાઓએ બાયોટેકનોલોજી અને મેડિકલ રિસર્ચ ક્ષેત્રે સહકાર માટે બે આશય પત્રો પર હસ્તાક્ષર કર્યા.બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ તેમના કોલંબિયાના સમકક્ષો સાથે આ આશય પત્રો પર હસ્તાક્ષર કર્યા હતા.

 

Exit mobile version