Site icon Revoi.in

ગુજરાતની ખાનગી કોલેજોના પ્રોફેસરોને UGCના નિયમ મુજબ પગાર આપો, PMOએ કર્યો આદેશ

Social Share

રાજકોટ  :  ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં ખૂબજ વધારો થયો છે. ત્યારે ખાનગી કોલેજોમાં સેવા આપતા અધ્યાપકોને પુરતો પગાર ન આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા અધ્યાપકોએ યુજીસીના ધારાધોરણ મુજબ સમાન પગાર ધોરણ આપવાની પીએમઓ સુધી રજુઆતો કરી હતી. આથી યુજીસીના નિયમ મુજબ ખાનગી કોલેજોના અધ્યાપકોને પગાર આપવા માટે પીએમઓએ આદેશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સરકારી સાથે ખાનગી યુનિ.ઓના પણ સતત વધી રહેલા વ્યાપમાં અનેક ખાનગી યુનિ.ઓ તેમના પ્રોફેસરોને સરકારી કોલેજ અને યુનિ. ના કોલેજોના પ્રાધ્યાપકોના સમાન પગાર ધોરણ જાળવતી ન હોવાની જાણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારના ભેદભાવની ગંભીર નોંધ લેતા તમામ યુનિ.ઓને તેમના પ્રોફેસરોના પગારધોરણ એક સમાન રાખવા અને ખાસ કરીને ખાનગી કોલેજોના પ્રોફેસરોને નિયમ મુજબ પગાર ચુકવવા આદેશ આપ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટો વધારો થયો છે. અને તેમાં ખાસ કરીને ખાનગી સેલ્ફ ફાયનાન્સ કોલેજો તથા આ પ્રકારની ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોનું આર્થિક શોષણ થતુ હોવાની ફરિયાદો ઊઠી હતી. સુરતના કેટલાક પ્રોફેસરો દ્વારા આ અંગે વડાપ્રધાન કાર્યાલયને એક વિસ્તૃત પત્ર મોકલવામાં આવ્યો હતો અને તેમાં સરકારી અને ખાનગી પ્રોફેસરોના પગાર વચ્ચે જે તફાવત છે. તે દર્શાવાયો હતો અને તે જાણ્યા બાદ પીએમઓએ ગુજરાત સરકાર પાસેથી માહિતી મેળવી હતી અને હવે તત્કાલ કાર્યવાહી કરીને ગુજરાતની સરકારી યુનિ.ના પ્રોફેસરોને જે પગાર ધોરણ ઉપલબ્ધ છે
તે જ પ્રકારે ખાનગી કોલેજોના અને ખાનગી યુનિ.ઓના પ્રોફેસરોને પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા જે નિયમો નિર્ધારિત થયા છે તે મુજબ પગાર સહિતની સવલતો આપવા પીએમઓએ સૂચના આપી છે. ગુજરાતમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના પ્રોફેસરો અને ખાનગી યુનિ. ના પ્રોફેસરોને પગાર ભથ્થા અને ખાસ કરીને મોંઘવારી ભથ્થા અંગે કોઈ એક સમાન નિતી અમલી નથી. પરંતુ હવે પીએમઓની સૂચના બાદ તે પણ અમલમાં આવશે તેવી સંભાવના છે.