Site icon Revoi.in

રાજ્ય સરકારે પોલીસી જાહેર કર્યા બાદ ઈ-વ્હીકલના વેચાણમાં થયો ડબલ વધારો

Social Share

અમદાવાદ:  પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ઈ-વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં  ઇ વ્હીકલના વેચાણ ડબલ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ઇ વ્હીકલ ખરીદીને લઈ સબસીડી જાહેર કરી હતી તેની અસર વર્તાઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવા વાહનોના વેચાણમા હજુ પણ વધારો થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત જૂન માસમાં ઓટો મોબાઈલ સેકટરમાં  રાજ્ય સરકારની ઇ વ્હીકલ પોલિસીની  જાહેરાત કરાઈ હતી. જેની સીધી અસર ઇ વ્હીકલ ના વેચાણમાં જોવા મળી છે. ગુજરાતમાં  છેલ્લા બે મહિનામાં ઇ વ્હીકલનું વેચાણ ડબલ થયું છે. પોલિસી પહેલા ઇ ટુ વ્હીલર્સનું  1500 આસપાસ વેચાણ હતું. જે ડબલ થઈ જતા 3200 સુધી પહોંચ્યું છે. તેવી જ રીતે ઈ ફોર વહીલર્સના વેચાણમાં પણ વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના કારણે પેટ્રોલ અને ડીઝલના ટુ વહીલર્સ અને ફોર વ્હીલર્સ વેચાણ ઘટ્યું હતુ. પરંતુ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમીના  તહેવારો દરમિયાન ટુ વ્હીલર્સ,  ફોર વ્હીલર્સના વેચાણમાં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો છે. જે પ્રકારે ઈ વ્હીકલ્સ ના વેચાણમાં વધારો થઈ રહ્યો છે આગામી વર્ષોમાં આ વેચાણમાં હજુ વધારો થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇ વ્હીકલમાં  ટકાવારી ની દ્રષ્ટિએ જોઈએ તો બે મહિના અગાઉ  ઇ ટુ વ્હીલર્સ નું વેચાણ સવા ટકા હતું જે વધીને 3 ટકા પહોંચી ગયું છે.

ઇ ફોર વહીલર્સનું વેચાણ વધ્યું છે. વાહનોની ટકાવારી ભલે ઓછી દેખાતી હોય પણ વાહનોના વેચાણના આંકડા જોઈએ તો વેચાણ ડબલ થઈ ગયું છે. એટલે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ને લોકો પેટ્રોલ ડીઝલના વાહનોના વિકલ્પ તરીકે પસંદ કરતાં થયા છે. મહત્વનું છે કે દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા બે મહિના અગાઉ શરૂ કરવામાં આવેલી ઇ વ્હીકલ પોલીસીની જાહેરાત કરી હતી. જેમાં ટુ વહીલર્સ પર 20 હજાર અને ફોર વહીલર્સ પર દોઢલાખની સબસીડી ની જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. જેના પગલે હવે ઇલેક્ટ્રિક વહિકલ્સનું વેચાણ વધ્યું છે.