Site icon Revoi.in

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

Social Share

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે.

અનુરાગ ઠાકુરએ જણાવ્યું હતું કે, જ્યારે આતંકવાદની વાત આવે ત્યારે ભાજપ ઝીરો ટોલરેન્સ રાખે છે. જ્યારે સમાજવાદી પાર્ટીનો પ્રયાસ સહયોગવાદનો રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના દોષિતોના તાર સીધો સપાના નેતાઓ સાથે જોડાયેલા છે. કોર્ટના આદેશ બાદ સપાના નેતા અને પાર્ટી તરફથી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. એવામાં સપા દ્વારા આતંકવાદીઓના સરંક્ષણ ઉપર સવાલ ઉઠાવાય છે. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, આતંકવાદી પ્રવૃતિમાં સામેલ મહંમદ સૈફના પિતા સપાના નેતા છે.

કેન્દ્રીય મંત્રીએ સપા ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સપાએ આઝમગઢને આતંકવાદીઓને ગઢ બનાવ્યો છે. તેમણે એસટીએફ અને પોલીસ ઉપર ભરોસો નથી. તૃષ્ટિકરણની રાજનીતિના કારણે સપા સરકારમાં આતંકવાદીઓને સંરક્ષણ મળ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી છે જેને વર્ષ 2012માં પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર બનતાની સાથે આતંકવાદીઓ સામે નોંધાયેલા તમામ કેસ પરત લેવાશે અને પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે. લખનૌ અને અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કર્યો તેમને અખિલેશે મુક્ત કરાવ્યા હતા. 2013માં સરકાર બનતાની સાથે જ આતંકવાદીઓને છોડ્યાં હતા જેની કોર્ટે પણ નોંધ લીધી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ આતંકવાદની કમર તોડવાનું અભિયાન શરૂ કર્યું છે. મોદી સરકાર આતંકવાદના પાયાને નાબુદ કરવા પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે સીમીને તોડવાનું કામ કર્યું છે. યોગી સરકારના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આતંકીઓ અને માફિયાઓની કમર તોડવાનું કામ યોગી સરકારે કર્યું છે.