Site icon Revoi.in

કચ્છમાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલામાં “સમુદ્રી સીમાદર્શન” હવે કરી શકાશે

Social Share

અમદાવાદઃ ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં આજથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો. હવે સમુદ્રી સીમાદર્શન કરી શકાશે. જેથી આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલ આંતર રાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે.

તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ લાભ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે ૬ સિટર, ૧૨ સિટર અને ૨૦ સિટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવી છે. જે પૈકી ૬ સીટરની એક બોટ આજથી સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ ચલાવવામાં આવશે. 

મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બોર્ડર રાઈડની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેન્‍ગ્રુવના જંગલોની સફર કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી પ્રવાસીઓ આ બોટ રાઈડ તથા લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.