Site icon Revoi.in

સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીની જન્મજ્યંતિ, કોંગ્રેસના અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં

Social Share

લોક(folk) તો કંઈ વિદ્વતજન સમાજ નથી,નથી તાલિમબધ્ધ. એ તો હૈયે આવે એ શબ્દો ને કંઠેથી નીકળે એ અવાજ,આ બેથી ગાય અને હાથવગાં ધ્વનિ ઉપકરણોથી તાલ દે.એને વળી સૂર,તાલ કે સપ્તક બંધ શેનાં?, મે’તા નરસીં તો ભગત જીવ.અંતરે વસેલા હરિને ગાતા રહે.બહુ તો કેદારો જાણે.પણ એ પ્રભાતિયાં રચતાં સભાન પણે કોઈ શાસ્ત્રીય રાગથી બંદીશ રચતા હશે?, આ બંને સવાલોના જવાબ ના જ હોય પરંતુ સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ આ બન્નેના જવાબ હામાં આપે અને સમજાવે કે, ગુજરાતી લોકગીત-સંગીતમાં 14 માત્રાનો વિલંબિત તાલ’ઝુમરા તાલ’,ગાનમાં ‘હંસકિંકણી’ રાગ ભલે અનાયાસ કે અભાન કર્તૃત્વથી,પણ સંભળાય છે, પકડાય છે. પ્રભાતિયાં પ્રાત:કાળની રચનાઓ છે.શાસ્ત્રીય રાગ ‘બિલાવલ’વહેલી સવારનો રાગ છે.પ્રભાતિયાંનું ગાન એ ‘શુક્લ બિલાવલ’ના સૂરોમાં બેસી જાય છે,એમ ઓમકારનાથજીએ પ્રમાણો અને ઉદાહરણો સાથે કહ્યું છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ નામના ગામમાં ફોજી પરિવારમાં પંડિતજીનો જન્મ ૧૮૯૭ના જૂનની ૨૪મી તારીખે.પિતા ગાયકવાડી લશ્કરમાંથી નિવૃત્ત થઈ સાધુ થઈ ગયા.આર્થિક સંકડામણે બાળપણમાં રામલીલા મંડળીઓમાં ગાવા માંડ્યું.એક પારસી શ્રેષ્ઠી શાપુરજી મંચેરજી ડુંગાજીની નજર આ રતનને ઓળખી ગઈ હશે તે પંડિતજી અને એમના ભાઈને મુંબઈ ગાંધર્વ મહાવિદ્યાલયમાં શીખવાની સોઈ કરી આપી.એ વખતે ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ સંગીતશાસ્ત્રી વિષ્ણુ દિગંબર પલુસ્કર ત્યાં હતા.નદી-નાવ સંજોગ રચાયો.
ઓમકારનાથજીની સાધના આરંભાઈ.૧૯૧૮માં પ્રથમ વખત સ્ટેજ પરથી ગાન કર્યું. પંડિતજીએ પછી પાછું વળી જોયું નથી.લાહોરમાં પતિયાલા ઘરાનાના આલા દરજ્જાના અલીબક્ષખાં અને કાલે ખાન સાથે સંગત થઈ. ૧૯૧૯માં ભરુચ આવી ‘ગાંધર્વ નિકેતન’ નામના સંગીત વિદ્યાલયની સ્થાપના કરી.બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં સંગીત વિભાગના અધિષ્ઠાતા થયા.

યુરોપમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૌપ્રથમ કાર્યક્રમ ઓમકારનાથજીએ કર્યો.તાનાશાહ ગણાતા મુસોલોનીએ ઓમકારનાથજીને બોલાવી એમને સાંભળ્યા. મુસોલોની સાથેની સંગીત બેઠકની વિગત આપતાં ઠાકુર લખે છે,”મેં રાગ ‘હિંડોલમ’ શરું કર્યા.દ્રૂતમાં ગાયકી પહોંચી ત્યાં એકાએક મુસોલોનીનો અવાજ સંભળાયો,’સ્ટોપ,સ્ટોપ.’ મેં એકદમ આંખો ખોલી જોયું તો તેઓ(મુસોલોની) હાંફી રહ્યા હતા,આંખો લાલ થઈ ગઈ હતી,ચહેરો અજીબ લાગતો હતો.ગાન થંભ્યું.થોડી વારે મુસોલોની સ્વસ્થ થયા ને બોલ્યા ‘અદભુત અનુભવ.’ ઓમકારનાથજીએ લખ્યું છે કે તેમણે રાગ ‘છાયાનટ’ ગાયો ને મુસોલોનીની આંખોમાંથી અશ્રુધારા વહી.

ઓમકારનાથજી સ્વર અને શબ્દના સાધક હતા.પંડિતજીએ સાહિત્ય(શબ્દ) અને સંગીતની સંગતીની ઉત્તમ વિવેચના કરી છે. ‘પ્રણવરંજની’, ‘નીલાંબરી’ જેવા રાગ એમણે રચ્યા છે. ઓમકારનાથજી ગાંધીજીના નિકટ હતા.એ કૉન્ગ્રેસના સભ્ય પણ હતા. કૉન્ગ્રેસનાં અધિવેશનો પંડિતજીના ‘વંદે માતરમ્’ ગાન વિના અધૂરાં ગણાતાં. પંડિતજીનો બુલંદ સ્વર અને સૂરની પકડ ભેગાં થતાં ને જાણે સ્વરસ્વર્ગ રચાતું.પંડિતજી માટે એટલે જ ‘વાગ્યેયકાર’ વિશેષણ વપરાયું છે.સારંગદેવ ‘ સંગીત રત્નાકર’માં વાગ્ગયેયકારની વ્યાખ્યા આપે છે કે, ‘वाचं गेयं च कुरुते य:वाग्गेयकारक:। શબ્દ અને સંગીત સમુચિત પ્રયોજે તે.પંડિતજી શબ્દને સ્વરમાં ઢાળી અને ઘોળી દેતા.સ્વર-શબ્દનું અદ્વૈત રચાતું.