Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોએ રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા કૂલપતિએ આપ્યો આદેશ,

Social Share

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન મિટિંગનું આયોજન કરાયુ હતું.  જેમાં કુલપતિએ  તા. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક કોલેજોમાં તિરંગા લહેરાવવા અપીલ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા આદેશ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કોલેજાના આચાર્યો સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ જણાવવું જોઈએ. યુ.જી.સી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તિરંગાના મહત્ત્વ પર નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા, તિરંગાને લગતા ગીતો ગાવાની સ્પર્ધા, નાટક, એકપાત્રિય અભિનય જેવા કાર્યક્રમો  યોજવાની અપિલ કરી હતી. સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના તમામ કાર્યક્રમનો અહેવાલ અને ફોટો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ-મેલ એડ્રેસ web@sauuni.ac.in પર મોકલવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 13 ઓગસ્ટથી એક સપ્તાહનું મિનિ વેકેશન જાહેર કરવામાં આવતા અઠવાડિયું યુનિવર્સિટીની તમામ શૈક્ષણિક અને વહીવટી કામગીરી બંધ રહેશે. અઠવાડિયા સુધી યુનિવર્સિટીમાં રજાનો માહોલ હોવાને કારણે વિદ્યાર્થીઓના વહીવટી કે શૈક્ષણિક કામ થશે નહીં. 13 ઓગસ્ટે બીજો શનિવાર, 14મીએ રવિવાર, 15મીએ સ્વાતંત્ર્ય પર્વની રજા, 17 અને 18 ઓગસ્ટે યુનિવર્સિટીએ રજા જાહેર કરી છે, 19મીએ જન્માષ્ટમીની રજા રહેશે. તા.20મીથી યુનિ.ભવનોમાં  વહીવટી કામગીરી ફરી શરૂ કરાશે. આમ યુનિવર્સિટીમાં એક સપ્તાહ સુધી રજાનો માહોલ રહેશે. યુનિવર્સિટીએ 3જી ઓગસ્ટે જ પરિપત્ર કરીને જાહેર કર્યું હતું કે, યુનિવર્સિટીના કર્મચારીઓ જન્માષ્ટમીનો તહેવાર સળંગ ઉજવી શકે તે માટે 17 અને 8 ઓગસ્ટે રજા જાહેર કરી છે. બાકીના દિવસોમાં જાહેર રજા આવતી હોય યુનિવર્સિટીના કર્મચારીઓને સળંગ એક અઠવાડિયાની રજાનો લાભ મળશે.