Site icon Revoi.in

અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, સીબીઆઈ પાસે નહીં જાય હિંડનબર્ગ વિવાદ

Social Share

નવી દિલ્હી: હિંડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ નિયમોમાં કોઈપણ પ્રકારની કોઈ ગડબડ થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીના મામલામાં કોર્ટ પાસે મર્યાદિત અધિકાર છે. કોર્ટે સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાથી પણ ઈન્કાર કર્યો છે અને એસઆઈટી રચવાનો પણ ઈન્કાર કર્યો છે. કોર્ટ દ્વારા નિયુક્ત પેનલ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર સરકાર અને સેબીનો અમલ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સેબીને ત્રણ માસમાં તપાસ પૂર્ણ કરવા માટે કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આ મામલાને સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર અને સેબી, હિંડનબર્ગ દ્વારા શોર્ટ સેલિંગ પર કાયદાના ઉલ્લંઘનની તપાસ કરશે અને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીએ 22માંથી 20 મામલાઓની તપાસ પૂર્ણ કરી લીધી છે. અમે સેબીને અન્ય બે મામલામાં ત્રણ માસની અંદર તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)રિપોર્ટ પર કહ્યું છે કે કોઈપણ પ્રકારના સત્યાપન વગર ત્રીજા પક્ષ સંગઠનના રિપોર્ટ પર નિર્ભરતાને પુરાવા તરીકે ભરોસો કરી શકાય નહં.

બીજી તરફ અદાણી ગ્રુપના શેરોમાં બુધવારે બમ્પર તેજી જોવા મળી રહી છે. ગ્રુપના તમામ શેયરો લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં બીએસઈ પર અદાણી એનર્જી સોલ્યૂશન્સના શેર 9.982 ટકા વધીને 1165  રૂપિયા પર પહોંચી ગયા હતા. અદાણી ટોટલ ગેસના શેર 8.33 ટકા વધીને 1083.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 7 ટકા વધીને 1678.25 રૂપિયા પર, અદાણી પોર્ટ્સ 1.8 ટકા વધીને 1098 રૂપિયા પર પહોંચી ગયા હતા. અદાણી વિલ્મરના શેરોમાં 6.89 ટકાની તેજી જોવા મળીને અને તે વધીને 391.75 રૂપિયા પર પહોંચી ગયા. સમૂહના અન્ય શેરોમાં એનડીટીવીના શેર 8.08 ટકા વધીને 293.60 રૂપિયા પર, અંબુજા સિમેન્ટ્સના શેર 1.52 ટકા વધીને 538.65 રૂપિયા અને એસીસીના શેર 1.1 ટકા વધીને 2290.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 24 નવેમ્બરની અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખતા કહ્યુ હતુ કે શેરબજાર નિયામક સેબીને બદના કરવાનું તેમની પાસે કોઈ કારણ નથી, જેણે અદાણી સમૂહની વિરુદ્ધ આરોપોની તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બજાર નિયામકે જે કર્યું છે, તેના પર શંકા માટે તેમની સામે કોઈ નક્કર આધાર નથી.

મહત્વપૂર્ણ છે કે 2023ના જાન્યુઆરીમાં અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણી સમૂહ પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યા હતા. હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે શેલ કંપનીઓ દ્વારા અદાણી જૂથની કંપનીઓના શેરોમાં હેરફેર કરવામાં આવી. હિંડનબર્ગ પ્રમાણે, જૂથના શેર 85 ટકા સુધી ઓવરવેલ્યુડ હતા. સમૂહના કર્જ, મેનેજમેન્ટ સહીત અન્ય ઘણાં મુદ્દાઓ પર સવાલ ઉઠાવાયા હતા. જો કે સમૂહે આ આરોપોને સોય ઝાટકીને નકાર્યા હતા. પરંતુ કંપનીના શેરોના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો.

તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વ્યક્તિગત મિલ્કતમાં પણ મોટો ઘટાડો થયો હતો. તેની અસર સેરબજાર પર પડી અને રોકાણકારોને ભારે નુકશાન થયું. તેના પછી સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી બાદ સેબીની તપાસનો આદેશ આપ્યો હતો. તેના સિવાય સુપ્રીમ કોર્ટ તરફથી રચાયેલી વિશેષજ્ઞ સમિતિએ મેમાં એક વચગાળાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં સમિતિઓ કહ્યું હતું કે તેમને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં હેરાફેરીના કોઈ સ્પષ્ટ પુરાવા જોવા મળ્યા નથી અને તેમાં કોઈપણ પ્રકારની નિયામકીય નિષ્ફળતા થઈ ન હતી.