Site icon Revoi.in

જમ્મુ સરહદે જૈશના આતંકીઓની ઘૂસણખોરીનું કાવતરું, સુરક્ષાદળો એલર્ટ

Social Share

નવી દિલ્હી, 3 માર્ચ 2026: પાકિસ્તાન જમ્મુ ડિવિઝનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી જૂથોને ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘હાઈ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. સરહદ પર બીએસએફ અને સેના દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં કિશ્તવાડમાં ‘ઈઝરાયેલ ગ્રુપ’ના સફાયા અને કઠુઆ-ઉધમપુરમાં આતંકીઓ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદ ભડકાવવા માટે પાકિસ્તાન હીરાનગર સેક્ટરથી જૈશના આતંકીઓને ભારતમાં ઘૂસાડવાની સાઝિશ રચી રહ્યું છે. દુશ્મનની આ યોજનાને નિષ્ફળ બનાવવા સુરક્ષા દળોએ ‘મલ્ટી લેયર’ સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.

કઠુઆ જિલ્લાના નગરી વિસ્તારમાં રવિવારે રાત્રે 3 થી 4 શંકાસ્પદ શખ્સો દેખાયા હોવાની બાતમી મળતા ખળભળાટ મચી ગયો છે. એક સ્થાનિક મહિલા અને અન્ય એક વ્યક્તિએ ખેતરોમાં શંકાસ્પદ હિલચાલ જોતા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એરવાં સહિતના આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત પઠાનકોટ પોલીસે પણ બમિયાલ અને નરોટ જયમલ સિંહ વિસ્તારમાં કિલ્લેબંધી મજબૂત કરી છે. જમ્મુના મઢ વિસ્તારમાં પણ સરહદી ચોકીઓ પર તૈનાતી વધારવામાં આવી છે. સૂત્રોના મતે છેલ્લા કેટલાક દિવસોમાં એલઓસી પરથી પાકિસ્તાની ડ્રોન દ્વારા હથિયારો કે નશીલા પદાર્થો મોકલવાની કોશિશ થઈ છે, જેને જોતા હવે સ્થાનિક લોકોને પણ કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

કિશ્તવાડના છાત્રુમાં જૈશ કમાન્ડર સૈફુલ્લાહના ખાત્મા બાદ હવે પોલીસ તેના મદદગારો પર ત્રાટકી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અડધો ડઝનથી વધુ લોકો આતંકીઓને રહેવા, જમવા અને સંચારની સુવિધા પૂરી પાડતા હતા. પોલીસ આ ગુપ્ત નેટવર્કને તોડવા માટે ખાસ ટીમો બનાવી તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ નેટવર્કમાં સરકારી તંત્રના કેટલાક લોકો પણ સામેલ હોઈ શકે છે, જે હાલ રડાર પર છે. જમ્મુ સરહદે હાલ યુદ્ધ જેવી સતર્કતા જોવા મળી રહી છે અને કોઈ પણ સંભવિત હુમલા કે ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે ભારતીય જવાનો સજ્જ છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ ઉદ્યોગ જગતને શ્રેષ્ઠ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કર્યું આહવાન

Exit mobile version