Site icon Revoi.in

રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માના નામની પસંદગી

Social Share

જયપુરઃ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમના નામની જાહેરાત કરાયા બાદ તમામની નજર રાજસ્થાનમાં કોણ ભાજપના સીએમ બનશે તેની ઉપર નજર મંડાયેલી હતી. સવારથી જ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને વિવિધ નામ ચર્ચાયા હતા. દરમિયાન ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માના નામની પસંદગી કરાઈ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા વસંધરા રાજેએ ભજનલાલ શર્માનું નામ મુખ્યમંત્રી તરીકે મુક્યું હતું. જેને ભાજપના ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ભાજપ દ્વારા રાજસ્થાનના સીએમ તરીકે ભજનલાલ શર્માનું નામ જાહેર કરીને તમામ રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા.

રાજસ્થાનમાં નવા સીએમ તરીકે ભજનલાલ શર્માની પસંદગી બાદ ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, રાજસ્થાન ભાજપાની વિધાનસભા દળની બેઠક મળી હતી. જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા ભજનલાલ શર્માનું નામ મુકવામાં આવ્યું હતું. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. શર્માની આગેવાનીમાં રાજસ્થાન સતત વિકાસની ગતિમાં આગળ વધશે. દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત સ્પીકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી તરીકે ભજનલાલની પસંદગી કરવામાં આવતા તેમના સમર્થકોની આંખો અને પરિવારજનોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સામાન્ય કાર્યકર તરીકે વર્ષો સુધી ભાજપમાં કામ કરતા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે તેવી તેમના સમર્થકોને પણ આશા ન હતી. જેથી તેમના સમર્થકોએ પણ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.