નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતે આજે દીકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે આ આદેશના પાલન માટે 3 મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંધારણની કલમ 21 અંતર્ગત મળેલા ‘જીવન જીવવાના અધિકાર’માં માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે, સુરક્ષિત અને સસ્તું માસિક ધર્મ સ્વચ્છતા સંચાલન દરેક બાળકીને તેના પ્રજનન સ્વાસ્થ્યના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. સમાનતાનો અધિકાર ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે દરેક દીકરીને શિક્ષણ મેળવવાની સમાન તક અને સાનુકૂળ વાતાવરણ મળે.
ચુકાદો આપતા કોર્ટે અત્યંત સંવેદનશીલ ટિપ્પણી કરી હતી કે, “આ આદેશ માત્ર કાયદાકીય કાગળો પૂરતો નથી, પણ એ વર્ગખંડો માટે છે જ્યાં છોકરીઓ મદદ માંગતા ખચકાય છે. આ એવા માતા-પિતા માટે છે જેઓ કદાચ પોતાની ચૂપકીદીની અસર સમજતા નથી. અમે એ દરેક બાળકીને સંદેશ આપવા માંગીએ છીએ કે જો તારે શરીરના જૈવિક કારણોસર શાળા છોડવી પડી હોય, તો તેમાં તારો કોઈ વાંક નથી. પ્રગતિનું માપદંડ એ છે કે આપણે સૌથી નબળા વર્ગની રક્ષા કેવી રીતે કરીએ છીએ.”
સુપ્રીમ કોર્ટે રાજ્યોને વ્યવસ્થા કરવા કડક સૂચના આપી છે કે, દરેક સરકારી અને ખાનગી શાળામાં લિંગ-આધારિત અલગ શૌચાલય અને પૂરતા પાણીની સુવિધા હોવી જોઈએ. શૌચાલયમાં પ્રાઈવસી જળવાવી જોઈએ અને દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. શાળાના શૌચાલય સંકુલમાં જ બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ ઉપલબ્ધ કરાવવા પડશે. શાળાઓમાં ‘માસિક ધર્મ સ્વચ્છતા સંચાલન કેન્દ્ર’ સ્થાપવા, જ્યાં ઇમરજન્સી માટે વધારાના યુનિફોર્મ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ હોય. આ ચુકાદાથી દેશભરમાં લાખો વિદ્યાર્થિનીઓને શિક્ષણમાં પડતી અડચણો દૂર થશે અને ડ્રોપ-આઉટ રેશિયોમાં ઘટાડો થવાની આશા છે.
આ પણ વાંચોઃ ભારતને ફટકો: બાંગ્લાદેશે ભારતીય SEZ રદ કરી ચીનને આપી જમીન

