ચંડીગઢ/ નવી દિલ્હી, 27 માર્ચ, 2026: હરિયાણા વિધાનસભા ચૂંટણીના બે વર્ષ પછી કોંગ્રેસના એક મહિલા નેતાના પતિએ પક્ષના નેતાઓ ઉપર ટિકિટ વેચવાનો અને એ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
ભૂતપૂર્વ મહિલા કોંગ્રેસ મહાસચિવ સુચિત્રા દેવીના પતિએ દિલ્હીમાં નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલા કેસમાં આરોપ લગાવ્યો છે કે, હરિયાણાની બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને સહયોગીઓને 7 કરોડ રૂપિયા આપ્યા હતા. હરિયાણા વિધાનસભા બેઠકની ટિકિટ વેચવાના મામલે દિલ્હી પોલીસે પતિ ગૌરવ કુમારની ફરિયાદ પર FIR નોંધી છે.
વિધાનસભા ટિકિટ માટે 7 કરોડ ચૂકવ્યા હતા
હરિયાણામાં મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ મહાસચિવ સુચિત્રા દેવીના પતિ ગૌરવ કુમારે હરિયાણા વિધાનસભા 2024 ની ચૂંટણીમાં બાવલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મેળવવા માટે કોંગ્રેસ નેતાઓને 7 કરોડ રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે દિલ્હીના સાઉથ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ પર બાવલ વિધાનસભા બેઠકની ટિકિટ માટે 7 કરોડ લેવાનો આરોપ છે.
કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો સામે FIR
મીડિયા અહેવાલો મુજબ, દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનની પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પતિ ગૌરવ કુમાર દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પક્ષના મોટા નેતાઓ પર કરોડોની ઠગાઈનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૌરવ કુમારે આક્ષેપ કર્યો હતો કે આ લેણદેણમાં કે.સી. વેણુગોપાલ અને કોડિકુન્નીલ સુરેશ સહિત અનેક મોટા ચહેરાઓના નામ જોડાયેલા છે.
હવે કેમ કેસ દાખલ કર્યો?
આ સંજોગોમાં પ્રશ્ન એ ઊભો થાય કે ચૂંટણી પૂરી થયાને બે વર્ષ થઈ ગયા ત્યારે છેક હવે કેમ કેસ કરવામાં આવ્યો? ગૌરવનો દાવો છે કે તેમણે પત્નીને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને તેમના સહયોગીઓને અંદાજે 7 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમનો આરોપ છે કે તેમને ન તો ટિકિટ મળી અને ન તો તેમના પૈસા પાછા આપવામાં આવી રહ્યા છે. તેમણે પુરાવા તરીકે વોટ્સએપ ચેટ અને અન્ય દસ્તાવેજો દિલ્હી પોલીસ કમિશનરને સોંપ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે આ મામલે અનેક પુરાવા આપ્યા છે, જેમાં બેંક સ્ટેટમેન્ટથી લઈને ઓડિયો રેકોર્ડિંગનો સમાવેશ થાય છે.”

