Site icon Revoi.in

ભાવનગર જિલ્લાના બગદાણામાં સાત ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, બગડ ડેમ ઓવરફ્લો

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં તળાજા, મહુવા અને ગારિયાધાર પર મેધરાજા મહેરબાન બન્યા હતા. જેમાં બગદાણા વિસ્તારમાં  7 ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા .

ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, અને ગારિયાધાર તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં  બગદાણા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં  ધોધમાર વરસાદ પડ્યો હતો.  બગદાણા, ધરાઈ, કલમોદર વિગેરે ગામ બાજુ સાંબેલા ધારે વરસાદ તૂટી પડયો હતો અને સાત  ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદથી મહુવા તળાજા વચ્ચે આવતા મોટી જાગધાર ગામે બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી. અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. ગ્રામ્ય પંથકમાં મેઘમહેરથી ધરતી પુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. જિલ્લાના ગારીયાધાર અને તળાજામાં  અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જેસર માં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.  જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ તળાજામાં 10 મી.મી., જેસરમાં 9મી.મી. ,ગારિયાધારમાં 12મી.મી. અને ભાવનગર શહેરમાં 1.6 મી.મી .વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના બગદાણામાં ભારે વરસાદને લીધે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ . બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા . બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા , માતલપર , બેડા , મોણપર , નવાગામ ( રતનપર ) , ટીટોડીયા , ધરાઇ , રાળગોન , બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો . તેમજ હાલ ડેમ છલકાઈ જતાં  ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મી.મી. ઓવરફલો થયો હતો . જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી હતી . આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે . બગડ ઓવરફ્લો થતા   મહુવાના મોટી જાગધાર , નાની જાગધાર , લીલવણ તેમજ તળાજાના ખારડી , પાદરગઢ , બોરડી , દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર ઉપર પ્રતિબંધ મુકાયો હતો