Site icon Revoi.in

વડોદરા અને ખેડામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં સાતના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે દરમિયાન નર્મદાના રાજપીપળામાં વડોદરાના પરિવારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કરુણ મોત થયા હતા. જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાથી કારમાં વડોદરા આવતા પરિવારને ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેના કારણે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. વડોદરાના આજવા રોડ પર મધુનગરમાં રહેતા પરિવારજનો પોતાના વતન રાજપીપળા ગયા હતા. ત્યારબાદ તેઓ રવિવારે રાત્રિના સમયે વડોદરા આવવા કારમાં નીકળ્યા હતા.  તેમની કાર જ્યારે ભરૂચ પહોંચી ત્યારે તરસાલી બાયપાસ પાસે એક ટ્રેલર હાઈવેમાં રોડની બાજુમાં પાર્ક હતું. જોકે, કારચાલકને આ ટ્રેલર ન દેખાતા કાર ટ્રેલરને અથડાઈ હતી. ત્યારબાદ કારમાં બેઠેલા 2 ભાઈ, દેરાણી, જેઠાણી અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સદનસીબે 4 થી 5 વર્ષની એક બાળકીનો આબાદ બચાવ થયો છે. જોકે, આ ગંભીર અકસ્માત બાદ ટ્રેલરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસ અને હાઈ-વે ઑથોરિટીના જવાનો પણ અકસ્માત સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતમાં પ્રગ્નેશભાઈ પટેલ (ઉ.વ. 34), મયુરભાઈ પટેલ (ઉ.વ. 30), ઉર્વશીબેન પટેલ (ઉ.વ. 31), ભૂમીબેન પટેલ (ઉ.વ. 28) અને લવ પટેલ (ઉ.વ. 1)નું મોત થયું હતું.

ખેડા જિલ્લામાં વહેલી સવારે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અહીં નડિયાદ-પીજ ચોકડી બ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 પરથી લાકડા ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે દરમિયાન પૂરઝડપે આવતી ટ્રક આ ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેક્ટરના ડ્રાઈવર અને ક્લિનરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ટ્રકનો ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બુલન્સ, હાઈ-વે પેટ્રોલિંગની ટીમ અને વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.