બિગ બૅશ લીગ (BBL) 2025-26ની બીજી મેચમાં બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે જીલૉન્ગમાં ટક્કર થઈ હતી. પાકિસ્તાનના સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ બ્રિસ્બેન હીટ તરફથી આ મેચમાં પોતાનો પ્રથમ BBL મેચ રમ્યો હતો, પરંતુ તેનું ડેબ્યૂ ખાસ રહ્યું નહીં. મેલબોર્ન રેનેગેડ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 212 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન શાહીન શાહ આફ્રિદીએ ખુબ રન લૂંટાવ્યા અને નિયમોના ભંગ બદલ તેને અધવચ્ચે જ બોલિંગમાંથી રોકી દેવામાં આવ્યો હતો. શાહીન શાહ આફ્રિદી માટે આ મેચ એક ખરાબ સપના જેવો સાબિત થયો. તેણે પોતાના સ્પેલમાં માત્ર 2.4 ઓવર ફેંકી અને 43 રન આપી દીધા, એક પણ વિકેટ લીધા વિના. તેનો ઇકોનોમી રેટ 16થી વધુનો રહ્યો હતો.
સૌથી મોટી મુશ્કેલી ત્યારે આવી જ્યારે તેના ત્રીજા ઓવરમાં બે જોખમી હાઈ ફુલ ટૉસ (બીમર) બોલ ફેંકવાને કારણે અમ્પાયરે તેને આગળ બોલિંગ કરવાથી રોકી દીધો. ક્રિકેટના નિયમો મુજબ, એક ઓવરમાં બે ખતરનાક હાઈ ફુલ ટૉસ (બીમર) ફેંકવા બદલ બોલરને તે ઓવરથી હટાવી દેવામાં આવે છે. આ નિયમને કારણે શાહીનને પણ અધવચ્ચે ઓવરમાં જ બોલિંગમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. શાહીન આફ્રિદી આ મેચમાં શરૂઆતથી જ મોંઘો સાબિત થયો હતો. તેણે તેની પ્રથમ ઓવરમાં 9 રન ખર્ચ્યા હતા. ત્યાર બાદ બીજી ઓવર વધુ મોંઘી રહી, જેમાં તેણે 19 રન આપ્યા હતા. પરંતુ ત્રીજી ઓવરમાં તે સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો, જ્યાં તેણે ૪ બોલમાં જ 15 રન ખર્ચ્યા, જેમાં 3 નો-બોલ પણ સામેલ હતા.
બીજી બાજુ, પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માટે પણ BBL ડેબ્યૂ ખાસ રહ્યું નહીં. મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમવા ઉતરેલો રિઝવાન 10 બોલનો સામનો કરવા છતાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. જોકે, તેની ટીમ એક મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. મેલબોર્ન રેનેગેડ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા, જેમાં ટીમ સીફર્ટની શાનદાર 102 રનની સદીની ઇનિંગ સામેલ હતી.

