Site icon Revoi.in

ઔરંગાબાદમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબર દૂર કરવાની શિવસેનાના ધારાસભ્યએ કરી માંગણી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટ અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ ઔરંગાબાદમાંથી મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટના નિવેદનને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમણે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ શંભાજીનગર રાખવા સામે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વિરોધને ‘બિરયાની પાર્ટી’ તરીકે ગણાવ્યું હતું.

AIMIMના સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલના નેતૃત્વમાં અહીં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 4 માર્ચથી ક્રમશઃ ભૂખ હડતાળ ચાલી રહી છે. દરમિયાન શિંદે જૂથના ધારાસભ્યએ કહ્યું હતું કે, “આ કોઈ આંદોલન નથી, પરંતુ બિરયાની પાર્ટી છે અને આ પાર્ટીની તસવીરો પણ વાયરલ થઈ છે.” ઔરંગાબાદના મુસ્લિમોને નામ બદલવાથી કોઈ સમસ્યા નથી. પરંતુ હૈદરાબાદ (AIMIM)ના લોકો વિરોધ કરી બતાવ્યું છે.

તેમણે AIMIMના સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલને પૂછ્યું હતું કે,  શહેરનું નામ બદલવામાં તમને કેમ સમસ્યા છે? શું તમે ઔરંગઝેબના વંશજ છો? શિવસેનાના ધારાસભ્યએ કહ્યું કે, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી (ઔરંગઝેબની) કબરની મુલાકાત લે છે અને માથુ ટેકવે છે.

તેમણે કહ્યું કે ઔરંગઝેબની યાદમાં કોઈ દિવસ ન ઉજવવો જોઈએ અને મુઘલ બાદશાહની કબરના અવશેષો પણ ઔરંગાબાદમાંથી હટાવવા જોઈએ. શિરસાટે કહ્યું કે, હું આ માંગણીઓ સાથે વડાપ્રધાનને પત્ર લખીશ. હું પોલીસ કમિશનરને પણ મળીશ કારણ કે જલીલ શહેરમાં શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.