Site icon Revoi.in

મુંબઈમાં ગુજરાતી મતદારોને રિઝવવાના શિવસેનાના પ્રયાસો, ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ વર્ષ 2022માં મંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શિવસેનાને અત્યારથી જ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ભાજપના મતદાર મનાતા ગુજરાતીઓને રિઝવવા માટે શિવસેનાએ ખાસ સ્લોગન પણ બનાવ્યું છે. ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરવામાં આવ્યું છે. આમ વર્ષ 2022માં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની અત્યારથી જ શિવસેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેના નેતા હેમરાજભાઇ શાહના નેતૃત્વમાં શિવસેના દ્વારા 10મી જાન્યુઆરીના રોજ ‘મુંબઇમાં જલેબી ને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન મુંબઇના જોગેશ્વરીમાં આયોજન કરવામાં આવ્યું છે. આમ શિવસેના દ્વારા ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો શરૂ કર્યાં છે. શિવસેનાના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણી પહેલાં ગુજરાતી મતદારોમાં જાગૃતતા પેદા કરવા માટે આ કાર્યક્રમ આયોજિત કરાઇ રહ્યો છે. શિવસેનાની તરફથી રજૂ કરવામાં આવેલા અભિયાન પત્રમાં કહ્યું છે કે બીએસમીમાં ચૂંટણી બિલકુલ અલગ માહોલમાં હશે.

શિવસેના અને ભાજપ વચ્ચે વર્ષોથી ગઠબંધન હતું. તેમજ 2019ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બંને સાથે લડ્યા હતા. જો કે, મુખ્યમંત્રીના મુદ્દે વિવાદ ઉભો થતા શિવસેનાએ ગઠબંધન તોડ્યું હતું. તેમજ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. અગાઉની ચૂંટણીમાં શિવસેનાને ભાજપના ગઠબંધનને કારણે ગુજરાતીઓના મત મળતા હતા. મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ બીએમસીની 50થી વધારે બેઠકો ઉપર ગુજરાતીઓનો દબદબો હોવાનું જાણવા મળે છે જેથી શિવસેનાએ મુંબઈ મનપામાં સત્તા માટે ગુજરાતીઓને આકર્ષવાના પ્રયાસો શરૂ કર્યાં છે.