Site icon Revoi.in

અમદાવાદમાં ફોર્ચ્યુન તેલના નકલી ડબ્બા વેચવાનું કૌભાંડ પકડાયુ, દુકાનદારોની ધરપકડ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારીના કારણે તમામા ચિજવસ્તુઓના ભાવમાં વધારો થતાં હવે ખાદ્યચિજોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. સાથે જ જાણીતી બ્રાન્ડની નકલ કરીને હલકુ તેલ વેચવાના બનાવો પણ બનતા હોય છે. હાલમાં ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચ્યા છે, એવામાં કેટલાક લેભાગુ તત્વો લોકોની આ મજબૂરોનો ફાયદો ઉઠાવવા ઓછી કિંમતે નકલી ખાદ્યતેલો બજારમાં ઠાલવી રહ્યા છે. અમદાવાદમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ફોર્ચ્યુન બ્રાન્ડના પેકિંગમાં નકલી તેલ વેચવામાં આવતું હતું. આ મામલે શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ફોર્ચુન તેલની કંપનીના કસ્ટમર કેરમાં એક ફોન આવ્યો હતો કે તમારા નામના લોગોનો દૂરુપયોગ કરીને નકલી તેલના ડબ્બા શાહપુરની એક કરિયાણાની દુકાનમાં વેચવામાં આવી રહ્યા છે. આ માહિતી મળતાની સાથે જ તેલ કંપનીના કર્મચારીઓએ શાહપુર પોલીસનો સંપર્ક કરીને પોલીસને સાથે રાખીને શાહપુરમાં આવેલી ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસને ઓઇલ કંપનીના બનવાટી લોગો સાથેના 5 તેલના ડબ્બા મળી આવ્યા હતા. આ સ્ટોરના માલિકની પૂછપરછ કરતા તેણે આ નકલી તેલના ડબ્બાઓ પાલડી ગામે ખોડીયાર ચોકમાં આવેલી એક દુકાનમાંથી મંગાવતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ શાહપુર પોલીસે પાલડી ગામમાં તપાસ કરતા ખોડીયાર ચોકમાં આવેલી બે દુકાનમાંથી નકલી તેલના ડબ્બા મળ્યા હતા. જેમાં યોગીરાજ ડીસ્ટ્રીબ્યુટર નામની પહેલી દુકાનમાં 15 લીટરના નકલી રીફાઇન્ડ ઓઇલના 10 ડબ્બા મળી આવ્યા હતા. ત્યાર બાદ શ્રી નારાયણ પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી પણ નકલી તેલના 22 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ બંને દુકાનોના માલિકની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેમણે અસફાક ખોલીયાવાળા પાસેથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અસફાકની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે આ તમામ નકલી તેલના ડબ્બા ઓઢવ ખાતેના મહેશ પટેલ પાસેથી લાવતો હોવાનું જણાવ્યું હતું. આરોપી મહેશ પટેલના સંભવિત સ્થળ પર તપાસ કરતા તે મળ્યો નહોતો. ઉપરાંત મહેશ સામે અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નકલી તેલ વેચવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં મુખ્ય આરોપી મહેશ પટેલ પોલીસની પકડમાં ક્યારે આવે છે.