Site icon Revoi.in

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

Google Maps

Social Share

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે ધો.11માં એક વખત પાઠ્યપુસ્તકોનો જથ્થો આવી ગયા બાદ બીજી વખત પુસ્તકો આવ્યા જ નથી તો બીજી તરફ શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે.વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની ફરજ પડી રહી છે.

ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થયાને અઠવાડિયા ઉપર સમય થવા છતાં હજી માર્કેટમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ધોરણ-4માં અંગ્રેજી, ધોરણ 6 વિજ્ઞાન, ધોરણ 7 ગણિત, ધોરણ 8માં ગણિત, અંગ્રેજી જેવા પાઠયપુસ્તકો ન મળતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે. આ અંગે સ્ટેશનરી એસો.એ જણાવ્યું હતુ કે ભાવનગરમાં શરૂઆતમાં એક વખત પાઠ્યપુસ્તકોનો જથ્થો આવી ગયા બાદ હવે ઓર્ડર આપો તેના માંડ 10થી 20 ટકા જેટલો જ માલ મોકલવામાં આવે છે. પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તક માટે અવારનવાર પૂછપરછ કરવા ધક્કા ખાય છે. પાઠયપુસ્તક મંડળ પાસે પૂરતા પ્રમાણમાં પુસ્તકોનો જથ્થો પ્રિન્ટ થઈને આવ્યો ન હોવાથી અછત સર્જાઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં શાળાઓ ચાલુ થયા બાદ પાઠ્ય પુસ્તકો આવ્યા નહોતા. બે એક દિવસથી ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકો શાળા લેવલે આવ્યા છે. પરંતુ તે પણ ક્યાંક ને ક્યાંક અપૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળ્યું છે. પાંચ વિષયો પૈકી બે વિષયના પુસ્તકો બાકી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન પહેલું કર્યું હોત તો બાળકોને અત્યારે પાઠ્યપુસ્તકો મળી ગયા હોત અને શાળાઓમાં શિક્ષણ સાથે પુસ્તકો પણ હોત. સ્કૂલ શરૂ થયા એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છતાં હજી સરકારી પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હજી શહેરમાં મળતા નથી ત્યારે જાણવા મળ્યું છે કે પુસ્તકો છાપવા માટે કાગળ સમયસર આવ્યા નહી તેમજ તેની મંજૂરી પણ ન અપાઇ તેથી આ પ્રશ્ન સર્જાયો છે. પાઠ્યપુસ્તકો માટે કાગળના ભાવ વધારાની જાણે રાહ જોઇ રહ્યાં હોય તેમ મોડો ઓર્ડર અપાયો અને તેથી હાલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કેટલાક વિષયના પુસ્તકો બજારમાં આવ્યા નથી.