Site icon Revoi.in

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

Social Share

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી હતી. આ કપરા સમયમાં બોલિવૂડના રિયલ લાઈફ હીરો સોનુ સૂદ તેની મદદે આવ્યા છે.

સોનુ સૂદે રાજપાલ યાદવના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, “રાજપાલ યાદવ એક અદભૂત કલાકાર છે, જેમણે વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીને મનોરંજન પૂરું પાડ્યું છે. ઘણીવાર સમય ક્રૂર બની જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કલાકારની પ્રતિભા ઓછી થઈ ગઈ છે.” સોનુએ જાહેરાત કરી છે કે રાજપાલ યાદવ તેની આગામી ફિલ્મનો ભાગ હશે અને તેમણે અત્યારથી જ તેમને ‘સાઈનિંગ અમાઉન્ટ’ આપી દીધી છે જેથી તેમને આર્થિક મદદ મળી શકે.”આ કોઈ દાન નથી, પણ એક કલાકાર પ્રત્યેનું સન્માન છે. હું તમામ નિર્માતા-નિર્દેશકોને અપીલ કરું છું કે આ મુશ્કેલ સમયમાં રાજપાલની સાથે ઉભા રહે અને તેમને કામ આપીને ટેકો આપે.”

રાજપાલ યાદવનો આ કાયદાકીય વિવાદ આજકાલનો નથી, પણ વર્ષ 2010થી ચાલી રહ્યો છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડની લોન લીધી હતી. કમનસીબે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, જેના કારણે તેઓ દેવામાં ડૂબી ગયા. જે ચેક તેમણે લેણદારોને આપ્યા હતા તે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 2018માં જ કોર્ટે તેમને અને તેમની પત્નીને 6 મહિનાની સજા ફટકારી હતી. જોકે, અનેકવાર તેમણે કોર્ટ પાસેથી સમય માંગ્યો પણ રકમ ચૂકવી ન શકતા અંતે કોર્ટે તેમને તુરંત સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

સોનુ સૂદે પોતાની પોસ્ટમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે આપણે માત્ર એક પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રી નથી પણ એક પરિવાર છીએ. જ્યારે આપણું જ કોઈ વ્યક્તિ આટલી લાચારી અનુભવે ત્યારે તેને એ યાદ અપાવવું જરૂરી છે કે તે એકલો નથી. સોનુના આ પગલાંની સોશિયલ મીડિયા પર ફેન્સ અને અન્ય કલાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ હવે ઉગ્રવાદ નહીં પરંતુ વિકાસ-આત્મવિશ્વાસની ઓળખ છે બસ્તરઃ મોદી

Exit mobile version