Site icon Revoi.in

સુરતના કપડાં ઉદ્યોગને મળશે વેગઃ ખાસ કપડાં પાર્સલ ટ્રેન શરૂ કરાવાઈ

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે, જો કે, હવે ફરીથી વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને વેગ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કપડાં પાર્સલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ છે. સુરતથી કપડાની સામગ્રી સાથે 25 ડબ્બાની ખાસ ટ્રેન રવાના થઈ હતી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સસ્તા, ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના કપડા બજારને વેગ આપવાના હેતુસર આ ખાસ ટ્રેન શરુ કરવામાં આવી છે. રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાળુ નગર માટે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ભારતમાં સૌથી વધારે કપડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં જાણીતો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે હાલમાં જ પહેલી વાર 202.4 ટન કપડા સામગ્રીને સુરત પાસે ચલથણથી કોલકાતાના શાલીમાર સુધી પહોંચાડી હતી. ખેડૂતોને પણ આર્થિક ફાયદો થાય તે માટે અગાઉ સૌરાષ્ટ્રથી ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી.