Site icon Revoi.in

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી

Social Share

નવી દિલ્હી: શ્રીલંકાના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. લસિથ મલિંગાએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. મલિંગા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે અને આ લીગનો સૌથી સફળ બોલર છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

તેમની IPL કારકિર્દી પર નજર કરીએ તો તે 122 મેચમાં 170 વિકેટ ઝડપી ચૂક્યો છે. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ છે. ગત વર્ષે તેણે શ્રીલંકા માટે ટી 20 વિશ્વ કપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે શ્રીલંકાએ આ વર્ષે યૂએઇ અને ઓમાનમાં રમાનાર ટી 20 વિશ્વકપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી, જેમાં મલિંગાને સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રીલંકાના પસંદગીકારોએ આ વખતે દસુન શનાકાને ટીમની કમાન સોંપી છે. મલિંગે પોતાની બોલિંગ તેમજ આગેવાનામાં શ્રીલંકાને 2014માં ટી 20 વર્લ્ડકપનું ટાઇટલ અપાવ્યું હતું.

શ્રીલંકાના પ્રતિભાશાળી બોલરના કારકિર્દી પર વાત કરીએ તો મલિંગાએ 30 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 101 વિકેટ છે. મલિંગાએ 226 વનડે મેચમાં 338 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 38 રન આપી 6 વિકેટ છે. તો મલિંગાએ 83 ટી 20 મેચમાં 107 વિકેટ પોતાના નામે કરી છે.