Site icon Revoi.in

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાના નવા પીએમએ વિશ્વ બેંક સાથે મીટીંગ કરી

Social Share

બેંગ્લોરઃ શ્રીલંકાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રતિનિધિઓ સાથે દેશના વર્તમાન આર્થિક સંકટ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 4,00,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલનો 12મું કન્સાઇનમેન્ટ સપ્લાય કર્યું છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું કે, 12મું કન્સાઈનમેન્ટ અને 4,00,000 મેટ્રિક ટન ઈંધણની સપ્લાઈ કરવામાં આવી છે. રાહત લોન યોજના હેઠળ ભારત દ્વારા કોલંબોને ડીઝલનો નવો માલ સપ્લાય કરવામાં આવ્યો હતો. શ્રીલંકા 1948માં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

વડા પ્રધાન વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, તેમણે વિશ્વ બેંક અને એડીબીના પ્રતિનિધિઓ સાથે દેશમાં વર્તમાન આર્થિક કટોકટી અંગે ચર્ચા કરી હતી અને દવાઓ, ખાદ્યપદાર્થો અને ખાતરોના પુરવઠા સહિતની વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે બેઠક દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ સાથે નાણાકીય સહાય માટે ‘વિદેશી સંઘ’ (વિદેશી સંઘ)ની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડા પ્રધાને જણાવ્યું હતું કે સરકાર માટે તાત્કાલિક પડકાર આગામી સપ્તાહ માટે ઇંધણની જરૂરિયાતો માટે ચૂકવણી કરવા માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાનો છે. વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ આ પ્રસંગે જારી કરેલા સંદેશમાં લોકોના જીવનને પાટા પર લાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ સમક્ષ કરવામાં આવેલી પ્રતિબદ્ધતા છે. બીજી તરફ, રાનિલ વિક્રમસિંઘેએ એક અણધાર્યું પગલું ભરીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓને સમર્થન આપ્યું છે.

રાષ્ટ્રપતિ પર દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવાની સાથે તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે અને વિરોધીઓ 9 એપ્રિલથી કોલંબોમાં ‘ગેલે ફેસ ગ્રીન’ પર ઉભા છે.