Site icon Revoi.in

દોસ્તીની આડમાં છુરાબાજી કે હિંસા ઉત્તરપ્રદેશમાં સ્વીકારવામાં નહીં આવેઃ CM યોગી

Social Share

લખનૌ, 1 જૂન 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજનૌરના અફઝલગઢ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વ્યાપક અને આકરા નિવેદનો આપ્યા છે. વિસ્તારમાં ચકચારી બનેલા સૂર્યા ચૌહાણ હત્યાકાંડ અંગે મન ખોલીને બોલતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા અને ધર્મની સ્થાપના માટે ‘સુદર્શન ચક્ર’ અનિવાર્ય છે, તો જ આ દેશ અને સમાજ સુરક્ષિત રહેશે. તેમણે ઉમેર્યું કે, સૂર્યા ચૌહાણને દોસ્તીના નામે દગો આપવામાં આવ્યો હતો અને બકરીદના તહેવાર પર તેની સાથે અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેના પગલે હવે પોલીસે પોતાની કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સીએમ યોગી આદિત્યનાથે ગુનેગારોને કડક ચેતવણી આપતા કહ્યું કે, દોસ્તીની આડમાં આ પ્રકારની છુરાબાજી કે હિંસા ઉત્તર પ્રદેશમાં ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ પોતાની નાલાયક ‘ઔલાદ’ને સુધારી શકતી નથી અથવા ખોટા કામો કરતા રોકી શકતી નથી, તો તે તેની સૌથી મોટી ભૂલ છે અને તેના માટે તેને સખત સજા ભોગવવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્ય સરકારની સંવેદનાઓ હંમેશા કાયદાનું પાલન કરનારા સામાન્ય નાગરિકો સાથે છે, પરંતુ જો કોઈ કાયદો અને વ્યવસ્થા સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ કરશે તો તેને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.

જનસભાને સંબોધતા પહેલા મુખ્યમંત્રીએ એક ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા પરિવારો, પૂર્વ સૈનિકો અને લીઝધારકોને જમીન માલિકી અધિકાર પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારે પાકિસ્તાનથી આવેલા આવા 1645 પરિવારોને જમીનધરી (માલિકી) ના કાનૂની હક્કો સોંપ્યા છે. યોગી આદિત્યનાથે આ અંગે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાનથી ભારત આવેલા જે પરિવારોની પૈતૃક સંપત્તિઓ પર ગેરકાયદે કબજા કરવામાં આવ્યા હતા, તેમને દાયકાઓ સુધી ન્યાય મળ્યો ન હતો. આજે ચોથી પેઢીએ અમારી સરકારે આ વિસ્થાપિત પરિવારોને તેમની જમીનનો અસલી હક્ક અપાવ્યો છે. આ નિર્ણયથી કુલ મળીને 8 થી 10 હજાર લોકોને સીધો કાનૂની લાભ મળી રહ્યો છે.

મહાભારત અને મહાત્મા વિદુરની ભૂમિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ હંમેશા ધર્મના રક્ષણનો સંદેશ આપે છે. જો સામે ‘ખરદૂષણ’ (રાક્ષસી પ્રવૃત્તિ) હોય તો સમાજ અને દેશે શસ્ત્ર ઉપાડવા જ પડશે. સનાતન સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘જો ધર્મની રક્ષા કરશે, ધર્મ તેની રક્ષા કરશે.’ આ ધરતીએ ઈતિહાસને બનતો અને બગડતો બંને સ્વરૂપે જોયો છે, તેથી સમાજે હવે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સ્પષ્ટ સમજીને દેશ વિરોધી તત્વો સામે સંગઠિત થઈને લડવું પડશે.

અંતમાં, ગોવંશ સંરક્ષણના મુદ્દે વિપક્ષો પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતામાં તેને માત્ર એક સામાન્ય પશુ તરીકે જ સંબોધે છે. ઉત્તર પ્રદેશ સરકાર ગાયોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ભારતમાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા અને સન્માનની પરંપરા સદીઓ જૂની છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા વિરૂદ્ધ અત્યંત કડક કાયદો અમલમાં છે અને આ વિષય પર સરકાર કોઈ ઢીલાશ સહન કરતી નથી. ગૌહત્યાની પ્રવૃત્તિઓમાં સામેલ ગુનેગારો સામે સતત કાયદાકીય રાઉન્ડ ધ ક્લોક એક્શન લેવામાં આવી રહી છે.

Exit mobile version