Site icon Revoi.in

રાજ્યની જેલોમાં ગંભીર ગુનાના ન હોય તેવા મહિલા, વયોવૃદ્ધ, કેદીઓને 15 દિવસના પેરોલ અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં જેલના કેદીઓને 15 દિવસના પેરોલ આપવાનો મહત્વનો નિર્ણય લઈને કેદીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી સરકારે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ઉદાત્ત અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે.

આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. જે કેદીઓ ગંભીર ગુનાની સજા ન ભોગવી રહ્યા હોય તેવા વયોવૃદ્ધ અને મહિલા કેદીઓને જ 15 દિવસના પેરોલનો લાભ મળશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
 

Exit mobile version