Site icon Revoi.in

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. આગામી મહિનામાં પરીક્ષા લેવાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

કેન્દ્રીય માનવ વિકાસ સંશાધન વિભાગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વીડિયો કોન્ફરન્સમાં ધો. 12ની પરીક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વીડિયો કોન્ફરન્સમાં ધોરણ 12ની પરીક્ષા બાબતેના વિવિધ સૂચનો વ્યક્ત કર્યાં હતાં અને કેન્દ્ર સરકારના સૂચનો પણ આવકાર્યાં હતાં. હાલ તો CBSE બોર્ડ દ્વારા તમામ રાજ્ય બોર્ડ પર નિર્ણય છોડવામાં આવ્યો છે. દરમિયાન રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ધો. 12 સાયન્સ-સામાન્ય પ્રવાહની પરીક્ષા જૂનના અંતમાં લેવાય તેવી શક્યતા છે.

ધોરણ 12 ની પરીક્ષા લેવા સંદર્ભે બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. વિકલ્પ એકમાં ત્રણ કલાકની પરીક્ષા અને વર્ણાત્મક રીતે જે પદ્ધતિ દ્વારા લેવાય છે તે પદ્ધતિ દ્વારા અથવા તો બીજા વિકલ્પમાં 90 મિનીટની અંદર બહુ હેતુ વિકલ્પ અને ટૂંકા જવાબોને આધારે પરીક્ષા લેવામાં આવશે. આ બંને વિકલ્પોમાંથી એક વિકલ્પ અંતર્ગત ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી શકે છે.

ગુજરાતમાં પરીક્ષા લેતા પહેલાં વિદ્યાર્થીઓને તૈયારી માટેનો 15 દિવસનો સમય આપવામાં આવશે.