Site icon Revoi.in

ધો. 12 સાયન્સના રિપિટર વિદ્યાર્થીઓએ પણ હવે બોર્ડની પરીક્ષા નવા અભ્યાસક્રમ મુજબ જ આપવી પડશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષે લેવાનારી ધો.12 સાયન્સની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે નહીં. નવા અભ્યાસક્રમ અનુસાર 50 ટકા એમસીક્યુ અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોના આધારે પ્રશ્ન પત્રો તૈયાર કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 સાયન્સમાં જૂન-2019થી હિન્દી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયોમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબ નવાં પાઠ્યપુસ્તકો અમલમાં આવેલાં છે. આ અભ્યાસક્રમ મુજબ પ્રથમ પરીક્ષા માર્ચ-2020માં યોજવામાં આવી હતી. માર્ચ-2020 પહેલાંની પરીક્ષાના રિપીટર વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2017-18 અને 2018-19ના વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન વિષયોની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં જૂનાં પુસ્તક આધારિત અભ્યાસક્રમ મુજબની પરીક્ષાની ઓગસ્ટ-2021 સુધી પૂરતી તક આપવામાં આવી હતી. હવે આ મુદત પૂર્ણ થતાં જૂના પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસક્રમ મુજબની પરીક્ષા લેવામાં આવશે નહીં, તે અંગે બોર્ડ દ્વારા પરિપત્ર કરી સૂચના અપાઈ છે.

આગામી માર્ચ-2022 યોજાનારી ધો.12 સાયન્સની તમામ પ્રકારના વિદ્યાર્થીઓની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ 50 ટકા ઓએમઆર અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પદ્ધતિથી જ લેવામાં આવશે. ધો.12 સાયન્સમાં અગાઉ જે વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ આધારીત પરીક્ષા આપ્યા બાદ પણ પાસ થયા નથી તેમને હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તક મળશે નહીં. નવા અભ્યાસક્રમ મુજબ જ બોર્ડની પરીક્ષા આપવી પડશે.