Site icon Revoi.in

ધો. 10 અને 12માં CBSEની જેમ સિલેબર્સમાં ઘટાડો કરવા શિક્ષકોએ કરી માગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો.10 અને 12ના વર્ગોમાં નિયમિત ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. વેકેશન પૂર્ણ થયા બાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે શાળાઓમાં શિક્ષણ કાર્ય મોડુ શરૂ થયું હતું. એટલે શૈક્ષણિક કેલેન્ડર મુજબ શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી. એટલે સીબીએસઈની જેમ સિલિબર્સ ઘટાડવાની માગ ઊઠી છે. સીબીએસઇએ સ્કૂલો શરૂ થતાની સાથે જ કોર્સ અને પરીક્ષા પદ્ધતિમાં બદલાવનો નિર્ણય લીધો છે. જ્યારે કે ગુજરાત શિક્ષણ બોર્ડે હજુ પણ કોર્સ કાપ અંગે કોઇ સ્પષ્ટતા ન કરતા શિક્ષકોએ માંગ કરી છે કે ગુજરાત બોર્ડે પણ કોર્સમાં ઘટાડો કરવો જોઇએ. ઓછા સમયમાં વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સનો અભ્યાસ કરશે તો બોર્ડનું પરિણામ નબળું આવશે, નબળા પરિણામને કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સીબીએસઇએ વર્ષની શરૂઆતમાં જ 25 ટકા કોર્ષ પર કાપ મૂક્યો છે, ઉપરાંત વિદ્યાર્થીઓની અનુકુળતા માટે પહેલી પરીક્ષા વિકલ્પ આધારિત અને બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. જેથી વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરી રહ્યાં છે. જ્યારે કે ગુજરાત બોર્ડે હજુ પણ કોર્ષ અંગે કોઇ જાહેરાત કરી નથી. જો ગુજરાત બોર્ડ 100 ટકા કોર્સ અને જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પરીક્ષા લે છે તો પરિણામ ઘટશે. તેવું શિક્ષકો કહી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યએ જણાવ્યું હતું કે, અમે દોઢ મહિના પહેલા બોર્ડમાં કોર્સમાં કાપ મુકવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ બોર્ડે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષ કાપનો લાભ મળે તો તેઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપી શકે.