અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર શરૂના મહિનાઓ બાદ પણ હજુ કોમર્સમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. કોમર્સમાં ઘણી બેઠકો ખાલી છે. પરંતુ વિદ્યાર્થીઓ મનપસંદ કોલેજમાં પ્રવેશ માટે મથામણ કરી રહ્યા છે. મેરીટ ન હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ ટોપની ગણાતી કોલેજોમાં પ્રવેશ માટે ટ્રાય કરી રહ્યા છે. કૉમર્સમાં એડમિશનમાં ત્રણ રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા જેના માટે ઓફલાઇન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ઓફલાઇન રાઉન્ડ ગુરૂવારે પૂરો થયો હતો ત્યારે હવે ઓફલાઇન રાઉન્ડમાં પણ એડમિશન ના મળ્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે વધુ એક વખત રજીસ્ટ્રેશન તથા કોલેજ પર ફોર્મ સબમિશન શરૂ કરવામાં આવશે. તા.26 થી 1 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ એક પણ વખત રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. તા.26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ પણ 26 થી 1 સપ્ટેમ્બર સુધી જે તે કોલેજમાં જઈને રજિસ્ટ્રેશન ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે.જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને ફરીથી કરાવવાની જરૂર નથી.જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો હોય તે આ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહીં.કોલેજ પણ આ સમય દરમિયાન પોતાના પોર્ટલમાં નવા આવેલ ફોર્મ ઇનવર્ડ કરીને SPOT એડમિશન આપી શકશે.1 સપ્ટેમ્બર સુધી કોલેજે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોય તેને એન્ડોર્સ કરવાના રહેશે.કોલેજ એન્ડોર્સ નહિ કરે તક વિદ્યાર્થીનું એન્ટોલમેન્ટ થઈ શકશે નહીં.કોલેજે એન્ડોરસમેન્ટ કરેલ વિદ્યાર્થીઓની યાદી 2 થી 5 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવાની રહેશે
ગુજરાત યુનિ,ના કોમર્સના ડીન ડૉ. જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના મેરિટના સમકક્ષ કોલેજ પસંદ કરશે તો તુરંત એડમિશન મળી જશે પરંતુ મેરીટ કરતા ઊંચી કોલેજ પસંદ કરશે તો પ્રવેશથી વંચિત રહી શકે છે.