Site icon Revoi.in

ઓનલાઈન શિક્ષણને લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ છૂટી, સતત ત્રણ કલાક પેપર લખી શક્તા નથી

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળે સૌથી વધુ નુકશાન શિક્ષણને કર્યું છે. કોરોનાના કાળ દરમિયાન શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું અને વિદ્યાર્થીઓને ઓનલાઈ શિક્ષણ આપવામાં આવતું હતું. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના અધ્યયન પર ખાસ અસર પડી હતી. વિદ્યાર્થીઓને લખવાની હથરોટી છૂટી ગઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં તમામ પ્રશ્નો આવડતા હોવા છતાં નિયત સમયમાં તેનો જવાબો લખી શક્તા નથી. એવું શિક્ષણશાસ્ત્રીઓ કહી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખવાની ટેવ ઓછી થવાને પરિણામે હાલમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના પેપર પૂરા થઇ શકતા નથી. તજજ્ઞોના મતે, બોર્ડમાં સારું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે લખવાની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. જો વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટિસ નહીં કરે તો બોર્ડની પરીક્ષામાં પેપર છૂટી જશે અને પરિણામ ઓછું આવશે. ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જોવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે કલાકનો રખાયો છે, પરંતુ પેપર દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓ ત્રણ કલાક સતત બેસી શકતા નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે. કોરોનાના કાળ પહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ટ્યુશનક્લાસમાં જતાં હતા.ટ્યુશન ક્લાસિસ અને શાળાઓમાં દર સપ્તાહ કે પખવાડિયે પરીક્ષા લેવામાં આવતી હતી. તેના લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ જળવાઈ રહેતી હતી. પણ ત્યારબાદ કોરોના કાળમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ થતાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. તેના લીધે વિદ્યાર્થીઓની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે. તેથી હવે વિદ્યાર્થીઓ ત્રણ કલાકની પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરી શક્તા નછી.