Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે નિશુલ્ક એક્સેસ અપાશે

Social Share

અમદાવાદઃ  ભારતની અગ્રણી એડટેક સોશલ એન્ટરપ્રાઇઝ કનેક્ટએડ ટેક્નોલોજીસે ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમ સાથે સંલગ્ન શૈક્ષણિક સામગ્રીનો નિઃશુલ્ક ઓનલાઇન ઍક્સેસ આપવા માટે આજે હાઇ પ્રેશર ગૅસ સિલિન્ડરોના દેશના સૌથી મોટા ઉત્પાદક એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ (EKC) સાથે મળીને સંયુક્ત રીતે એક પહેલની જાહેરાત કરી હતી. કનેક્ટએડ ટેક્નોલોજીસ દ્વારા ઘડાયેલા અને ચલાવવામાં આવનારા આ કાર્યક્રમનું લક્ષ્ય સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શૈક્ષણિક સામગ્રી સ્થાનિક ભાષામાં પહોંચાડવાનું છે, જેથી શિક્ષણના પરિણામ, ખાસ કરીને વર્તમાન કોવિડ-19 રોગચાળાના સમયમાં, સુધારવામાં મદદ થાય તેવો હેતુ છે.

આ કાર્યક્રમના એક ભાગ રૂપે, કચ્છ જિલ્લા અંતર્ગત આવતી સરકારી શાળાઓના 7,500થી વધુ વિદ્યાર્થીઓને વેબ અને મોબાઇલ એપ પ્લૅટફૉર્મનો નિઃશુલ્ક ઓનલાઇન ઍક્સેસ આપવામાં આવશે. આ પ્લૅટફૉર્મ પર સ્થાનિક ભાષાઓમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી છે, જે ગુજરાત રાજ્ય મંડળના અભ્યાસક્રમ મુજબ છે. તેને ઓનલાઇન જોઈ શકાય છે, અથવા તો પાછળથી જોવા માટે, કોઈ ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકાય છે. શરૂઆતમાં આ પહેલ કચ્છ જિલ્લાના ગાંધીધામ બ્લૉક હેઠળ આવતી શાળાઓના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવશે અને ત્યારબાદ તેને ગુજરાતના અન્ય પ્રાંતોમાં અને અન્ય ધોરણના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

કચ્છ, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ડૉ. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “કોરોના કાળમાં શાળાઓ ધણા સમયથી બંધ હતી.. આવી પરિસ્થિતીમાં સરકારી શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ માટે કોઈ એવી સમાંતર ડિજિટલ ફ્રેમવર્કની આવશ્યકતા હતી, જેના ઉપયોગથી સરકારી શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આ પહેલ જાહેર કરતાં  ઘણો જ આનંદ થાય છે. અમે એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ (EKC) ના આભારી છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે બીજી સંસ્થાઓ પણ આ પહેલના સમર્થનમાં આગળ આવે, જેથી ગુજરાતના દરેક વિદ્યાર્થીને તેનો લાભ મળી શકે.

કનેક્ટએડ ટેક્નોલોજીસના સહ-સંસ્થાપક લવિન મીરચંદાની અને લહર તાવડેએ ટિપ્પણી કરી કે, “કોવિડ-19ના વેરિયન્ટ ઓમિક્રોનના આગમનના અને કેસોમાં થતાં ઝડપી વધારાના પગલે દેશભરની સરકારી શાળાઓ ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષામાં સારું શિક્ષણ ઉપલબ્ધ થતું રહે, તે માટે ડિજિટલ અભિગમની જરૂરિયાત જણાઈ આવી છે. અધ્યક્ષ  પુષ્કર ખુરાના અને મેનેજિંગ ડાઇરેક્ટર  પુનિત ખુરાનાએ કહ્યું, “એવરેસ્ટ કાંટો સિલિન્ડર લિમિટેડ (EKC) ખાતે કામ કરતી વખતે અમે અમારા આસપાસના સમુદાયોના હિત માટે કામ કરવામાં માનીએ છીએ.