Site icon Revoi.in

ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા માર્કસ હશે તેવા વિદ્યાર્થીઓ જ ડિપ્લામા પ્રવેશ મેળવી શકશે

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની લાયકાતને લઈને વિસંગતતા ઊભી થતાં અનેક બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ  ઊભી થઈ છે. કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા પ્રવેશ માટે 35 ટકા અને રાજ્ય સરકાર દ્વારા ગ્રેસિંગ વિના 35 ટકા માર્ક્સ હોવા જોઈએ તેવો નિયમ કરવામાં આવ્યો છે. આ નિયમમાં સુધારો ન કરવામાં આવે તો અનેક બેઠકો ખાલી પડે અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાય દિવસથી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 25 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ઓવરઓલ 35 ટકા માર્ક્સ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ લાયકાતને ધ્યાનમાં રાખીને પરિણામ જાહેર થયા પહેલા અનેક સ્વનિર્ભર કોલેજ સંચાલકોએ પોતાના હિસ્સાની 50 ટકા બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કન્ફર્મ કરી રાખ્યા હતા.

વિદ્યાર્થીઓ પણ જે તે કોલેજમાં પ્રવેશ નિશ્ચિત છે તેમ માનતા હતા. પરંતુ રાજ્ય સરકારે ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા લાવ્યા હોય તેમને જ ડિપ્લોમામાં પ્રવેશ માટે લાયક ગણ્યા છે. તાજેતરમાં બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં અંદાજે 1 લાખ 72 હજાર વિદ્યાર્થીઓ એવા છે જેમને ગ્રેસિંગ સાથે 35 ટકા આવ્યા છે.

રાજ્ય સરકારના નિયમ મુજબ, આ તમામ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રેવશ માટે લાયક બની શકે તેમ નથી. આ જ વિદ્યાર્થીઓ પૈકીના અનેક વિદ્યાર્થીઓએ જે-તે સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી કોલેજના સંચાલકો સાથે પ્રવેશ નક્કી કર્યા હતા. જેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓનું પ્રવેશ સમિતિમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેવાયું હતું.

પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આવ્યા હોવાનું જાહેર થતાં હવે જે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ છે તે તમામ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગેરલાયક છે. જેથી તેમનું રજિસ્ટ્રેશન પણ રદ્દ કરવું પડે તેમ છે.

માસ પ્રમોશનના કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગની બેઠકો ફુલ થઈ જશે તેવું માનવામાં આવતું હતું તેના બદલે હાલ માત્ર 25,000 વિદ્યાર્થીઓનું જ રજિસ્ટ્રેશન થયું છે. તેમાંથી પણ 35 ટકા ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવે તો રજિસ્ટ્રેશનનો આંકડો હજી નીચો જાય તેમ છે.

રાજ્યની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોનું કહેવું છે કે, માસ પ્રમોશન પછી પણ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જોઈએ તેવો ધસારો નથી. હવે 35 ટકા ગ્રેસિંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવશે તો વધુ મુશ્કેલી પેદા થઈ શકે છે. ખરેખર કાઉન્સિલે ગ્રેસિંગનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે રાજ્ય સરકારે ગ્રેસિંગ વિના પાસ થયા હોય તેમને જ પ્રવેશ આપવાનો નિયમ દૂર કરવો જોઈએ.

આમ ન કરવામાં આવે તો માસ પ્રમોશન પછી ધોરણ 11માં પ્રવેશની સમસ્યા ઊભી થશે અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બેઠકો ખાલી પડશે. આ સમસ્યા નિવારવા સંચાલકોએ સરકારને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.